Placeholder canvas

મોરબી: અનુસુચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર મામલે કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું.

મોરબી : તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલલી હત્યા બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા આજ રોજ અનુસુચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર મામલે મોરબી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનમાં માંગ કરવામાં આવી છે કે, રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો પર એનકેન પ્રકારે તેઓની મિલ્કત હડપી લેવાના તેમજ તેમના પ્રત્યે આભડછેટ રાખવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ અનુસુચિત જાતિના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ગંભીર છે. અનુસુચિત જાતિના લોકો સાથે આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે તે બંધારણની વિરુદ્ધ છે.

ચુડાના સમઢીયાળા ગામે અનુસુચિત જાતિના લોકોની હત્યા કરવામાં આવી છે. તેમના પરિવાર દ્વારા અગાઉથી પોલીસને જાણકારી આપીને સુરક્ષા આપવાની વાત કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવાઈ ન હતી. સરકાર પણ આ બાબતે ગંભીરતા દાખવતી નથી. ત્યારે મોરબી જિલ્લાના અનુસુચિત જાતિ સમાજ અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગની માંગણી છે કે આ ઘટનામાં જવાબદાર અધિકારીઓને આરોપી બનાવી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને અનુસુચિત જાતિ પર થતાં અત્યાચારો અટકાવવા કાર્યવાહી કરવામાં આવે.

આ સમાચારને શેર કરો