ચોટીલાના રોપવે પ્રોજેક્ટનો માર્ગ મોકળો, કોર્ટમાં થયેલા કેસોનો થયો નિકાલ: પ્રવાસનને મળશે વેગ..

ચોટીલામાં રોપવે બનવાને લઈ ઝાલાવાડવાસીઓમાં ખુશીની લહેર. 655 પગથિયા ચડવાને બદલે હવે સીધા જ દર્શન કરી શકાશે.

ચોટીલા : યાત્રાધામ ચોટીલાના રોપવે પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. કોર્ટમાં થયેલા કેસોનો નિકાલ થતા હવે ટૂંક સમયમાં રોપવે પ્રોજેક્ટ શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી પર્વત પર રોપવે બનાવવાના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જેને લઇને ભક્તો તેમજ ડુંગર તળેટી વિસ્તારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોપવે અંગે હાઈકોર્ટમાં કરાયેલી અરજીઓનો નિકાલ થતા હવે રોપવે પ્રોજેક્ટ સાકાર થશે જેથી ચોટીલા પ્રવાસન નકશામાં ચમકશે.

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ઐતિહાસિક ડુંગર આવેલો છે. જેની પર ચામુંડા માતાજીનું મંદિર છે. અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આશરે 650 જેટલા પગથિયા ચડીને ડુંગર પર દર્શનાર્થે ભક્તો જાય છે. જોકે, હવે રોપવે બનાવવામાં આવશે જેથી ભક્તો 655 પગથિયા ચડવાને બદલે સીધા જ દર્શન કરી શકશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા માતાજીના ડુંગર પર રોપવે બનાવવા વર્ષ 2008થી ખાનગી કંપની દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ અમુક કાયદાકીય ગુંચવણોને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે હાઇકોર્ટમાં કેસોનો નિકાલ થયો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રોપવે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કંપની દ્વારા હાલ વીજ કનેક્શન લેવા સહીતની પ્રાથમિક કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ગિરનાર રોપ-વે

આ રોપવેનું કામ અંદાજે રૂપિયા 20 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે થશે. કંપની દ્વારા આગામી એક વર્ષમાં રોપવેની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજો છે. આગામી સમયમાં મુખ્યમંત્રીના હસ્તે આ રોપવેના કામનું ખાતમુહુર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી ચર્ચા થવા લાગી છે. ગિરનાર તેમજ પાવાગઢ બાદ હવે ચોટીલામાં પણ રોપવે બનાવવામાં આવશે.

વોટસએપમાં સમાચાર સેર કરવામાં મોડું થઈ શકે છે, જેથી તાત્કાલીક સમાચાર વાંચવા અને ઝડપથી જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ વિડીયો પણ જુઓ
આ સમાચારને શેર કરો