Placeholder canvas

ચોટીલામાં રિસામણે બેઠેલી પત્નિને તેડવા જતા સાળાઓએ બનેવીને ધળુંવી નાખ્યો !!

ચોટીલા: રીસામણે બેઠેલ પત્ની અને પુત્રને તેડવા આવેલ યુવાન ઉપર તેના બે સાળાઓએ ધારીયા-પાઈપથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરાયેલ છે. આ અંગે ચોટીલા પોલીસમાં ફરીયાદ નોંધાતા તપાસ હાથ ધરાયેલ છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ બોડી પીપરડી (તા. પાળીયાદ) ગામે રહેતા દાનજીભાઈ હિરાભાઈ રાઠોડના લગ્ન બાર વર્ષ પહેલા ચોટીલા ઘાંચીવાડમાં રહેતા સામંતભાઈ ગોવિંદભાઈ ચૌહાણની દિકરી મનીષા સાથે થયા હતા. સામે દાનજીભાઈની બેન લક્ષ્મીના લગ્ન સામંતભાઈના દિકરા રમેશ સાથે થયા હતા. દાનજીભાઈ અને મનીષાબેનને સંતાનમાં એક દિકરો જયરાજ છે. જે હાલ 10 વર્ષનો છે. ફરીયાદમાં જણાવ્યા અનુસાર મનીષાબેન છેલ્લા ત્રણ મહિનાથી રીસામણે પિયર દિકરાને લઈને આવી ગયા હતા, શુક્રવારે દાનજીભાઈ પત્ની-પુત્રને તેડવા ચોટીલા આવ્યા હતા. તેમણે સસરા સામંતભાઈને ફોન કરીને મનીષા અને જયરાજને તેમની સાથે મોકલી દેવા કહેલ પરંતુ સસરાજીએ પાંચ માણસોને લઈને આવજે તેમ કહેતા… દાનજીભાઈ રાતના અગિયાર વાગ્યાના સુમારે તેમના સાસરે પત્ની-પુત્રને લેવા ગયા હતા.

ત્યારે તેમના સાળાઓ કરણભાઈ અને રમેશભાઈ(જે બનેવી પણ થાય છે) તેમણે બોલાચાલી કરીને ધારીયા-પાઈપથી હુમલો કરી માથામાં, પગમાં ઈજાઓ કરતા દાનજીભાઈને ચોટીલા હોસ્પીટલે પ્રાથમીક સારવાર આપીને રાજકોટ રીફર કરવામાં આવેલ.આ બનાવ અંગે ચોટીલા પોલીસમાં કરણ અને રમેશ સામે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો