skip to content

કોરોનાનો ભોગ બનેલા વૃધ્ધાના મૃતદેહની તકેદારીપૂર્વક દફનવિધિ

મૃતદેહને પ્લાસ્ટીકની બેગમાં પેક કરાયો: વૃધ્ધાના બે આપ્તજનોને ડીસઈન્ફેકરન્ટ સ્પ્રે કરી પીપીઈ કીટ પહેરાવી દફનવિધિમાં હાજર રખાયા

રાજકોટ મહાનગરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે જંગલેશ્વર વિસ્તારના કોરોનાની સારવારમાં રહેલ વૃધ્ધાનુ સીવીલ હોસ્પીટલમા મોત થતા તેમના મૃતદેહની ભારે તકેદારીપૂર્વક દફનવિધિ કરવામાં આવી હતી.

જંગલેશ્વર શેરી નં.25માં રહેતા વૃધ્ધા મોમીનબેન જાફરાભાઈ ચોપડા (ઉં.60) છેલ્લા નવ દિવસથી સીવીલ હોસ્પીટલમાં કોવિદ-19 કોરોના પોઝીટીવ દર્દી તરીકે સારવારમા હતા. ગઈકાલે સાંજે 4 કલાકે તેમણે અંતિમ શ્વાસ લેતા રાજકોટમા કોરોના દર્દીનુ પ્રથમ મોત નોંધાયુ હતુ.
જંગલેશ્વર વિસ્તારના વૃધ્ધ મોમીનબેન ચોપડાના મૃતદેહની અંતિમવિધિ માટે આરોગ્ય વિભાગે મહાનગરપાલિકાની શબવાહીનીમાં ખાસ પ્લાસ્ટીકની બેગમા મૃતદેહ પેક કરી મૃતકના આપ્તજનોને ખાસ પીપીઈ કીટ પહેરાવી ભાવનગર રોડ પટેલવાડી સામેના કબ્રસ્તાનમાં મોકલ્યો હતો. કબ્રસ્તાનમાં ઉંડો ખાડો ખોદી મૃતદેહની દફનવિધિ રાત્રીના કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો