Placeholder canvas

છેલ્લા 9 મહિનામાં એસ.ટી.બસનાં 371 કંડકટર કટકી કરતા ઝડપાયા!

ગુજરાત એસ.ટી. વિભાગમાં કંડકટરોની ગેરરીતિ અને મફત મુસાફરી અંગે એસટી નિગમની લાઈન ચેકીંગ સ્કવોડ હાઈવે ઉપર સમયાંતરે જુદા જુદા રૂટોની બસોનું સરપ્રાઈઝ ચેકીંગ કરે છે અને ઓ ચેકીંગ દરમ્યાન મુસાફરો પાસેથી પૈસા લઈ ટીકીટ નહીં આપતા કટકીબાજ કંડકટરોને ઝડપી લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરે છે. આ ઉપરાંત લાઈન ચેકીંગ સ્કવોડ એસટી બસોમાં ટીકીટ વિના અને મફત મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોને પણ ઝડપી લઈ તેઓને દંડ ફટકારેલ છે.

એસટીના રાજયભરના 16 ડીવીઝનોમાં લાઈન ચેકીંગ સ્કવોડની ટીમો દ્વારા આ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હવે એસટીનાં કંડકટરોના પગાર પણ સરકારે ખુબજ સારા કરી દીધા છે. આમ છતા એસટી નિગમમાં હજુ સુધી કટકી કરવાની પ્રથાનો અંત આવ્યો નથી. અને સમયાંતરે કંડકટરો જુદા જુદા રૂટોની બસોમાંથી કટકી કરતા ઝડપાઈ જાય છે. ત્યારે છેલ્લા 9 માસ દરમ્યાન જ રાજયના 16 એસટી ડિવિઝનોમાંથી એસટી વિભાગની લાઈન ચેકીંગ ટીમોએ જુદા જુદા રૂટોની બસોમાં કરેલા ચેકીંગ દરમ્યાન 371 કંડકટરોને કટકી કરતા ઝડપી લેવામાં આવ્યા હોવાનું એસ.ટી. નિગમના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. નોંધનીય બાબત એ પણ છે કે સૌથી વધુ કટકીના કિસ્સા કિસ્સા સુરત, રાજકોટ અને ભરૂચ ડિવિઝનમાંથી પકડાયા છે.

રાજકોટ ડીવીઝનમાંથી 32, સુરતમાંથી 48, અને ભરૂચ ડીવીઝનમાંથી 23, કંડકટરો કટકી કરતા ઝડપાયા હતા. આ ઉપરાંત એસટીની સેન્ટ્રલ સ્કવોડે પણ જુદા જુદા રૂટોની બસોના ચેકીંગ દરમ્યાન સૌથી વધુ 97 કંડકટરોને ટીકીટના પૈસા ઉચાપત કરતા પકડી લેવાયા હતા.

જયારે, એસટી નિગમનાં જુદા જુદા રૂટોની બસોનાં ચેકીંગ દરમ્યાન મફતમાં મુસાફરી કરતા 2783 મુસાફરોને પણ ઝડપી લેવાયા હતા. સૌથી વધુ મફતીયા મુસાફરો બરોડા ડિવિઝનમાંથી 792 સુરત ડિવિઝનમાંથી 466, ગોધરા ડિવિઝનમાંથી 467, અને અમદાવાદ ડિવિઝનમાંથી 432, ખુદાબક્ષ મુસાફરોને લાઈન ચેકીંગ સ્કવોડે ચેકીંગ દરમ્યાન ઝડપી લીધા હતા.

આ સમાચારને શેર કરો