skip to content

‘બિપોરજોય’વાવાઝોડુ વધુ ‘તાકાતવર’ બન્યુ:પોરબંદરથી 640 કીમી દુર…

અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝોડુ સૌરાષ્ટ્રથી વધુને વધુ નજીક આવવાની સાથોસાથ વધુ ઝડપી અને તાકાતવર બની રહ્યું છે. આવતા ચોવીસ કલાકમાં હજુ ખતરનાક બનવાની શકયતા છે. વાવાઝોડાએ રફતાર પકડી હોય તેમ હવે પોરબંદરથી 640 કી.મી.દુર છે. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે અત્યંત તીવ્રની શ્રેણીમાં આવી રહેલુ બિપોરજોય વાવાઝોડુ આવતા ચોવીસ કલાકમાં હજી વધુ ખતરનાક બનશે. અને ઉતર-ઉતરપુર્વની દિશામાં આગળ વધવાની સંભાવના છે.

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં 16 ઉતર અને 67.4 પૂર્વ પર કેન્દ્રીત થયુ. વાવાઝોડુ પોરબંદરથી 640 કી.મી.દુર દક્ષિણ-પશ્ર્ચિમમે છે.પોરબંદરથી 300 કિલોમીટર દુર ઘટ વાદળોનાં ગંજ ખડકાયા છે તેના પ્રભાવ હેઠળ કેટલાંક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાના ભાગોમાં જોર વધુ રહેશે. ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ કહ્યું કે તમામ બંદરો પર ભયસુચક સીગ્નલો લગાવવાની સુચના આપવામાં આવી છે. વાવાઝોડાના પ્રભાવ હેઠળ ત્રણ દિવસ 45 થી 55 કીમીની ઝડપે પવન ફુંકાશે. ઝાટકાનાં પવનો 65 કી.મી. સુધી જઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાત, કેરળ, કર્ણાટક તથા લક્ષદ્વિપ દરીયામાં નહિં જવા. માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

દરમ્યાન ગુજરાતનાં દરીયામાં વાવાઝોડાનો કરંટ દેખાવા લાગ્યો છે. આજે વલસાડનાં તિથલ બીચ પર વિકરાળ મોજા ઉછળતા બીચ 14 મી તારીખ સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો અને પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ મુકાયો હતો. સુરક્ષા પહેરો ગોઠવી દેવાયો હતો.તિથલનાં વહીવટીતંત્ર દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે જરૂર પડયે ગામલોકોનાં સ્થળાંતરની તૈયારી રાખવામાં આવી છે અને આશ્રયસ્થાન ઉભા કરી દેવામાં આવ્યા છે. ગુજરાતની જેમ કેરળમાં પણ રાજય સરકારે આગોતરા પગલા લીધા હોય તેમ આઠ જીલ્લાઓમાં યલો એલર્ટની ઘોષણા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 14મી સુધી દરીયો ખરાબ કે અતિ ખરાબ રહેવાની ચેતવણી આપી છે.

આ સમાચારને શેર કરો