વાંકાનેરમાં ફૂલ સ્પીડમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા થયો અકસ્માત, ૧નું મોત
વાંકાનેરમાં તેજ ગતિમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા માતા-પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બાઈક ચાલક પુત્રનું મોત નીપજ્યું છે.સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
મોરબીના મકનસર ગામે રહેતા ફરિયાદી નૂરીબેન ચમારભાઇ વાસકેરાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ બપોરના ૦૧:૦૦ વાગ્યાની આસપાસ તેઓ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે નર્સરી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે તેમના દીકરા સુરેશભાઈ પોતાના હવાલાવાળું મોટર સાયકલ જીજે-૦૩-સીજી-૪૧૮૪ ચલાવી રહ્યા હતા અને બાઇકની પાછળ નુરીબેન બેઠા હતા.
તેજ ગતિમાં પૂર ઝડપે બાઈક ચલાવતા સુરેશભાઈ કાબુ ગુમાવી બેઠા હતા. જેને પગલે બાઈક અચાનક સ્લીપ થઈ જતા બંને રોડની ડિવાઇડરની દીવાલ સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં નૂરી બેનને માથાના ભાગે તેમજ જમણા પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. જ્યારે સુરેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. એ દરમિયાન રાહદારીઓ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવીને બંનેને વાંકાનેરના સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. એ વેળા પર રાજકોટ નજીક સુરેશભાઈએ દમ તોડ્યો હતો. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.