Placeholder canvas

રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતા BHMS ડૉકટર મુકેશ ટોળીયા અને નર્સિંગ બોય ઝડપાયા

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે ફરીયાદ નોંધાવી, યુનિ. રોડ પરની શિવશકિત કોલોનીના એક મકાનની અંદર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ચાલતુ હતું.

રાજકોટના યુનિ. રોડ પર આવેલ બી.ટી.સવાણી હોસ્પિટલ પાછળ શિવશકિત કોલોનીના એક મકાનમાંથી ગર્ભ પરીક્ષણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે તેમાં થાનથી ગર્ભ પરિક્ષણ કરાવવા આવેલી નયનાબેન ચેતનભાઈ વાણીસીયા (ઉ.33, રહે. સર્વોદય સોસાયટી, તરણેતર રોડ, થાન, જિ. સુરેન્દ્રનગર) ગર્ભ પરિક્ષણ કરનાર બીએચએમએસ ડો. મુકેશ ઘોઘા ટોળીયા (ઉ.27, રહે. આજી નગર-3, ભાવનગર રોડ, સિલ્વર બેકરીની પાછળ, રાજકોટ) અને નર્સબોય તરીકે કામ કરતા અવેશ રફીક પીંજારા (ઉ.33, રહે. ધોરાજી નગરપાલિકા પાછળની શેરી, ત્રણ દરવાજા, પ્લેટીયમ પાર્ક, ધોરાજી)ને પોલીસે ઝડપી લીધા છે અને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ ડો. મુકેશે તેના મિત્રના મકાનમાં પોર્ટેબલ સોનોગ્રાફી મશીન રાખ્યું હતું અને આ કૌભાંડ ચલાવતો હતો. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દિયોરા, યુનિવર્સિટી પોલીસના પીઆઈ એ.એસ. ચાવડા, પીએસઆઈ એ.બી. વોરા અને મહિલા પોલીસ ટીમને સાથે રાખી દરોડાની કાર્યવાહી કરી હતી. આ કૌભાંડમાં સોનોગ્રાફી મશીનનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર અંદરખાને આ કૌભાંડ ચાલતુ હતું. પોલીસે પીસી એન્ડ પીએન્ડટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો