Placeholder canvas

ગુજરાતમાં ‘કોનોકાર્પસ’ના વાવેતર ઉપર પ્રતિબંધ…

  • રોપા ન ઉછેરવા નર્સરીઓને વન વિભાગનો આદેશ
  • આ વૃક્ષના ફૂલોથી શરદી, ઉધરસ, અસ્થમાની શક્યતા હોવાથી નિર્ણય
  • રાજ્યના વન વિભાગે તમામ નર્સરીઓમાં કોનોકાર્પેસના ઉછેર ઉપર પ્રતિબંધ

ગુજરાતમાં ઉત્સાહભેર કોનોકાર્પસનું વાવેતર કર્યા બાદ હવે તેના મુળિયા પાણી, ગટર લાઈન સુધી પહોંચી તેને નુકશાન કરી રહ્યા છે. બીજી તરફ શિયાળામાં આ વિદેશી વૃક્ષ ઉપર બેસતા ફુલો અને તેના ઉપરની પરાગરજકોથી નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવો રોગચાળો ફેલાઈ રહ્યાનું ધ્યાને આવતા રાજ્યના વન વિભાગે તમામ નર્સરીઓમાં કોનોકાર્પેસના ઉછેર ઉપર પ્રતિબંધ મુક્યો છે.

રાજ્યના અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ.કે. ચર્તુવેદીએ મંગળવારે તમામ વન અધિકારીઓને પત્ર લખીને ઉપરોક્ત સુચનાનો અમલ કરવા આદેશ કર્યો હતો. તેમણે મોકલેલા પત્રમાં કહેવાયુ છે કે, ગુજરાતમાં વિદેશી પ્રજાતિના કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધ્યો છે. સંસોધન અહેવાલો મુજબ આ પ્રજાતિ પર્યાવરણ અને માનવજીવન પર નકારાત્મક અસરો કરે છે, ગેરફાયદા પણ ધ્યાને આવ્યા છે. આ વૃક્ષના મુળિયા ઊંડા હોવાથી સંદેશાવ્યવહાર કેબલ, પાણી અને ડ્રેનેજની લાઈનો અને તાજા પાણીને વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આથી, ગુજરાતમાં આવેલી તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસના રોપા ઉછેરવા તેમજ કોઈ પણ વાવેતર વન અને તેની બહારના વિસ્તારમાં કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. જેનો સૌએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે. આ સંદર્ભે નાગરીકોને સમજણ આપવા જનજાગૃતિ કાર્યક્રમો કરવાના રહેશે.

આ સમાચારને શેર કરો