મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાના આઠ આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા; એકની અરજી પેન્ડીંગ

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા નવ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન મામલે હિયરીંગ કરવામાં આવ્યા બાદ આજે જામીન અરજી પર હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી કોર્ટે આઠ આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે, જેથી હાલ ઓરેવાના મેનેજર સહિતના આઠ આરોપીઓને જેલમાં જ રહેવું પડશે.

ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્રભાઈ પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજીભાઈ ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલ્સિંગ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા. જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
જેથી જેલમાં બંધ નવ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન માટેની અરજીમાં પણ તારીખો પડી હતી અને હિયરીંગ કરવામાં આવ્યા બાદ આજે જામીન અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં આઠ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે અને કોર્ટે જામીન નામંજૂર કરતા આરોપીઓને હાલ કોઈ રાહત આપવામાં આવી નથી. જ્યારે એક આરોપી દેવાંગ પ્રકાશ પરમાર નામના આરોપીની જામીન અરજી પેન્ડીંગ છે. જેના પર બાદમાં હુકમ સંભળાવવામાં આવશે.