રાજકોટ: સિવિલના નર્સને પછાડી અવાવરું સ્થળે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ…
યુવતીના પ્રતિકારથી યુવક ભાગી ગયો : પોલીસે કહ્યું, આરોપી પકડાય પછી ગુનો નોંધીશું
રાજકોટ : માધાપર ચોકડી નજીક શુક્રવારે રાત્રે નિર્ભયાકાંડ જેવી ગંભીર ઘટના બનતા સહેજમાં અટકી હતી, સિવિલ હોસ્પિટલમાંથી ફરજ પૂરી કરીને રાત્રીના ઘર તરફ જઇ રહેલી નર્સ પર કોઇ નરાધમે પાછળથી હુમલો કરી નર્સને ત્રણ વખત પછાડી દઇ વોંકળામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નર્સે પ્રતિકાર કરી પોતાની આબરૂ બચાવી એ નરાધમના સકંજામાંથી છૂટીને ઘરે પહોંચી ગઇ હતી, આવી ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધવાને બદલે આરોપી પકડાશે પછી ગુનો નોંધશું તેમ કહી યુવતીની અરજી લઇ તેને રવાના કરી દેવાઇ હતી.
માધાપર ચોકડી પાસે આવેલી મહાવીર રેસિડેન્સિમાં ફ્લેટમાં રહેતી રાજસ્થાનની વતની 23 વર્ષની યુવતી શુક્રવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની પોતાની ફરજ પૂરી કરીને રાત્રીના 8 વાગ્યે હોસ્પિટલથી રિક્ષામાં બેસી માધાપર ચોકડીએ આવી હતી અને ચોકડીએ ઉતરી રસ્તો ક્રોસ કરી યુવતી 8.30 વાગ્યાના અરસામાં મહાવીર રેસિડેન્સિ તરફ જઇ રહી હતી, એપાર્ટમેન્ટ તરફ જવાનો રસ્તો કાચો હોય અને ઘોર અંધારું હોય યુવતી ચાલીને જઇ રહી હતી તે વખતે પાછળથી કોઇ દોડીને આવી રહ્યું છે.
તેવો અહેસાસ થતાં નર્સે પાછળ ફરીને નજર કરતાં જ કાળા રંગનું જેકેટ પહેરેલો અંદાજે 30 થી 35 વર્ષની વયનો શખ્સ તેની નજીક ધસી આવ્યો હતો, નર્સ કંઇ સમજે તે પહેલા જ તેને પાછળથી પકડી, તેના વાળ ખેંચ્યા હતા અને નર્સનો હાથ પકડી બાજુમાં આવેલા નાલા તરફ ખેંચી જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, નર્સે હિંમત દાખવીને તેનો પ્રતિકાર કરતાં તે શખ્સ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે નર્સને ધક્કો મારી પછાડી દઇ તેને ઢસડવાનું શરૂ કર્યું હતું.
નર્સે પ્રતિકાર ચાલુ રાખ્યો હતો અને તે ઊભા થવાની કોશિશ કરતી હતી તેમ તેમ તે શખ્સ તેને ધક્કો મારીને પછાડી દેતો હતો અને અવાવરુ સ્થળે ખેંચી જવાનો પ્રયાસ કરતો હતો, નર્સ તાબે થઇ નહોતી અને તેણે હિંમતપૂર્વક પ્રતિકાર કરી બદઇરાદો રાખનાર શખ્સના સકંજામાંથી છૂટીને દોડીને પોતાના એપાર્ટમેન્ટમાં પહોંચી ગઇ હતી, ત્યાં બેઠેલા એ એપાર્ટમેન્ટના રહીશોને આપવીતી વર્ણવતા લોકો ત્યાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તે નરાધામ નાસી ગયો હતો.
આબરૂ લૂંટવાના ઇરાદે થયેલા હુમલામાં ઘવાયેલી નર્સને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યારબાદ નર્સ ફરિયાદ કરવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચી હતી, પરંતુ પોલીસે આરોપી અજાણ્યો છે તે પકડાયા બાદ ફરિયાદ નોંધશું તેમ કહી નર્સની માત્ર અરજી લઇ તેને રવાના કરી દેવાઇ હતી, પોલીસે માધાપર ચોકડી નજીક બની રહેલા પૂલનું કામ કરતા કેટલાક શ્રમિકો નર્સ સમક્ષ રજૂ કર્યા હતા પરંતુ તેમાંથી કોઇ ન હોવાથી પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.
શહેરમાં અગાઉ બનેલી અનેક ગંભીર ઘટનાઓથી પોલીસ કમિશનર અજાણ હોવાનું સામે આવ્યું છે અને ગંભીર ગુનાની તપાસમાં લાપરવાહી દાખવનાર અધિકારીઓ સામે કમિશનર કુણું વલણ દાખવતા હોવાથી નર્સની આબરૂ લૂંટવાના પ્રયાસની ગંભીર ઘટનામાં પણ પોલીસે ફરિયાદ નોંધવાની તસ્દી લીધી નહોતી.