Placeholder canvas

રાજયમાં પ્રથમ પહેલ: રાજકોટના હિટ એન્ડ રનના 3 કેસમાં કલેકટર દ્વારા બે-બે લાખની સહાય મંજૂર.

રાજકોટ: રાજયભરમાં રાજકોટ જીલ્લા કલેકટર તંત્રે સૌ પ્રથમ પહેલ કરી હિટ એન્ડ રનના ત્રણ કેસમાં રાજય સરકારની યોજના અંતર્ગત રૂા.બે-બે લાખની સહાય મંજૂર કરી છે. જયારે અન્ય ઈજાગ્રસ્ત માટે રૂા.50 હજારની સહાયની ફાળવણી કરાયેલ છે.

આ અંગે કલેકટર પ્રભવ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજયભરમાં રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા સૌપ્રથમવાર જ હિટ એન્ડ રનના ત્રણ કેસમાં આ પ્રકારની સરકારી સહાય ચુકવવા માટે બહાલી આપી છે.

હિટ એન્ડ રનના આવા કેસોની 10 અરજીઓ હજુ તેઓને મળી છે. જે પેન્ડીંગ છે. જેનો પણ આગામી ટુંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. રાજય સરકારની આ નવી યોજના અંતર્ગત હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનેલાઓના પરિવારજનોને 15 દિવસમાં જ જનરલ ઈુસ્યોરન્સ કંપની દ્વારા નાણા ચુકવાઈ જશે.

કલેકટર પ્રભવ જોશીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે હિટ એન્ડ રનના રાજકોટ શહેર-જીલ્લામાં બનતા આવા કેસોમાં રેવન્યુ કર્મચારીઓ અકસ્માતનો ભોગ બનેલાઓના ઘરે જઈને ફોર્મ ભરી દેશે. પોલીસ તંત્ર તરફથી એફ્રઆઈઆર (પોલીસ ફરીયાદ) મળ્યા બાદ તુરંત જ કલેકટર તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી શરૂ કરશે.

જેમાં અકસ્માતનો ભોગ બનેલાઓના ઘરે જઈ રેવન્યુ કર્મચારીઓ અરજી ફોર્મ ભરી માહિતી મેળવશે. આવા બનાવોમાં કલેઈમ મંજુર થયા બાદ ભોગ બનેલાઓના પરિવારજનોને 15 દિવસમાં જ નાણા રાજય સરકારની આ સહાય યોજના તળે ચૂકવી દેવાશે.

હવે હિટ એન્ડ રન કેસમાં ભોગ બનેલાઓને પરિવારોને મદદરૂપ બનવા માટે રાજય સરકાર દ્વારા સહાય પુરી પાડવાની ખાસ યોજના અમલી બનાવેલ છે. જે અંતર્ગત રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા હિટ એન્ડ રનના ત્રણ કેસમાં રૂા. બે-બે લાખની સહાય મંજુર કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો