Placeholder canvas

વાંકાનેર: કોટડા નાયણી ગામે JCBના ડ્રાઈવરને ઠબકો આપતા JCBના માલીક દ્રારા ફરિયાદી પર હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે તળાવમાં મહિલાઓ નહતી હોય ત્યારે અહીંથી પસાર થતા જેસીબી ડ્રાઇવરને ઠપકો આપનાર વ્યક્તિના પરિવારને જેસીબીના માલિક અને પુત્ર સહિતના ત્રણ લોકોએ જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે રહી ખેતમજૂરી કરતા હરેશભાઇ જેન્તીભાઇ સોલંકીના પરિવારના મહિલાઓ ગામના તળાવે ન્હાવા અને કપડા ધોવા જતા હોય ત્યારે આરોપી બળદેવસીંહ ઉર્ફે બળુભાઇ નોંઘુભા જાડેજાની માલિકીના જેસીબીનો ડ્રાઇવર ત્યાંથી નીકળતો હોય જેથી હરેશભાઇ જેન્તીભાઇ સોલંકીએ જેસીબીના ડ્રાઇવરને ઠપકો આપ્યો હતો.

દરમિયાન ગઈકાલે આ બાબતના મનદુઃખમાં આરોપી એવા જેસીબી માલિક બળદેવસીંહ ઉર્ફે બળુભાઇ નોંઘુભા જાડેજા, દેવુભા બળદેવસીંહ જાડેજા અને માલદેવસીંહ ઉર્ફે માલુભા માધુભા રહે. ત્રણેય કોટડા નાયાણી વાળાઓએ હરેશભાઇ ગામમાં નીકળતા તેમને રોકી તને કઈ હવા આવી ગઈ છે કહી ઢીકા પાટુનો માર મારતા હરેશભાઇ દોડીને પોતાના ઘેર ચાલ્યા ગયા હતા.

બાદમાં આ ત્રણેય આરોપીઓએ એક સંપ કરી હરેશભાઇના ઘેર આવી ઝઘડો કરી હરેશભાઈને લાકડી વડે માર મારી તેમના ભાઈ સંજયભાઇને ડાબા હાથે બાવળામાં કુહાડીનો ઘા ઝીકી તેમના પરિવારના જશુબેનને માથામાં ફટકારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

આ ઘટના અંગે સારવાર લીધા બાદ હરેશભાઇ સોલંકીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો