Placeholder canvas

રામાયણ સિરિયલના રાવણ અને ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનુ નિધન

જાણીતા ગુજરાત કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં ગુજરાતી તેમ જ હિન્દી સિનેજગતમાં શોકનો માહોલ પથરાઈ ગયો હતો.

રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય બનેલા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું 5 ઑક્ટોબરના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. મહત્વનું છે કે અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ ગણાતા હતા. તેમણે સેંકડો લોકપ્રિય નાટકો અને ફિલ્મો તેમ જ ટીવી સીરિયલમાં કામ કર્યુ હતું. અરવિંદ ત્રિવેદીના નિધનની ખબર તેમના નજીકના સંબંધીએ સોશ્યલ મીડિયા પર આપી હતી. તેમણે આ સમાચાર આપવાની સાથે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

રંગભૂમિના અદના કલાકાર એવા અરવિંદ ભાઈ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. અરવિંદ ત્રિવેદીએ ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી 40થી વધુ વર્ષોમાં પથરાયેલી હતી. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો હતો.

અરવિંદ ત્રિવેદી 1991માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતાં. આ સાથે જ 2002માં તેમને ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો