વાંકાનેર: શહેરના દિગ્વિજયનગર પાસેથી બીજો દીપડો પણ પાંજરે પુરાયો !
વાંકાનેર: ગઈકાલે વહેલી 6 સવારે શહેરના દિગ્વિજયનગરમાં એક દીપડો પાંજરે પુરાયા બાદ આજે વહેલી સવારે 5.30 કલાકે દિગ્વિજયનગરમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે.
વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની રંજાડ હોવાની ફરિયાદ સાથે દીપડા વાંકાનેર પેડક વિસ્તારમાં દિગ્વિજયનગર સુધી પહોંચ્યા હોવાની નાગરિકોની ફરિયાદ બાદ વનવિભાગ દ્વારા ગત અઠવાડિયે પાંજરા મુકયા હતા, ગઈકાલે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે એક દીપડો પાંજરે પુરાયો હતો. આ ઉપરાંત વાંકાનેર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન હડફેટે ચડી જતા એક ત્રણેક વર્ષના દીપડાનું મોત નિપજ્યા બાદ આજે વહેલી સવારે 5.30 કલાકે દિગ્વિજયનગર વિસ્તારમાં વધુ એક દીપડો પાંજરે પુરાયો હોવાનું વાંકાનેર ફોરેસ્ટ વિભાગે જાહેર કર્યું હતું.
દરમિયાન વાંકાનેર વનવિભાગના અધિકારી નરોડીયાએ આપેલ માહિતી મુજબ દિગ્વિજયનગરમાં ગઈકાલે દીપડો ઝડપાયા બાદ વધુ એક પાંજરું મુકવામાં આવતા આજે સવારે 5.30 કલાકે અંદાજે 3થી 5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વાંકાનેર તાલુકાના મેસરીયા,રામપરા તેમજ ચોટીલાના ડુંગરાળ વિસ્તારમાંથી દીપડાઓ અહીં ચડી આવતા હોવાનું અનુમાન છે.