Placeholder canvas

રાજકોટને વધુ એક ભેટ: દેશનો પ્રથમ એવીએશન પાર્ક સૌરાષ્ટ્રમાં સ્થપાશે.

એરોસ્પેસ-તાલીમ સંશોધન અને સામાન્ય લોકો માટે ખાસ રીકીએશન પાર્ક

રાજકોટ: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના આગમન બાદ ગુજરાતમાં વિકાસની જે નવી ક્ષિતિજો ખુલી છે તેમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ અગ્રસ્થાને રહ્યું છે અને અગાઉ સૌરાષ્ટ્રને માટે મહત્વની ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ તથા આંતરરાષ્ટ્રીય વિમાની મથક જેવી સુવિધા બાદ હવે રાજકોટને દેશના પ્રથમ એવીએશન પાર્ક માટે પસંદ કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારનો આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ અગાઉ અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા પર પસંદગી ઉતારવામાં આવી હતી પરંતુ આ સ્થળે જમીનના સમથળનો પ્રશ્ર્ન હતો. ઉપરાંત અહી હેવી ટ્રાન્સમીશન લાઈન પણ પસાર થતી હોવાથી તેને બદલવાનું મુશ્કેલ જણાતુ હતું અને હવે રાજકોટ આસપાસ આ એવીએશન પાર્ક માટે યોગ્ય સ્થિતિ હોવાથી આ મહાનગર પર પસંદગી ઉતારવામાં આવી છે. હવે રાજકોટના નવા તૈયાર થઈ રહેલા હીરાસર આંતરરાષ્ટ્રીય વિમાની મથકની નજીક જ 100 હેકટર જમીનમાં એવીએશન પાર્ક બનશે.

આંતરરાષ્ટ્રીય વિમાની મથક પાસે એવીએશન પાર્ક માટે જમીન વિ.ની ઉપલબ્ધી અને અન્ય માપદંડો યોગ્ય જણાવાયું છે. આ પાર્ક રૂા.250 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવશે. જેમાં એરોસ્પેસ ટ્રેનીંગ, રીસર્ચ તથા નાના ઉત્પાદન કેન્દ્ર પણ ઉપરાંત લોકો અવકાશી ઉડ્ડયન અંગે જાણી શકે તે હેતુથી અહી ખાસ એક મનોરંજન પાર્ક પણ હશે જયાં લોકો એવીએશન, એરોસ્પેસ વિષે જાણી શકશે. આ એવીએશન પાર્કમાં વિશાળ, એર સ્ટ્રીપ, હેલીપેડ, એરોનોટીકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ઉત્પાદન એકમો તથા આ ક્ષેત્રના સંશોધન કેન્દ્ર પણ હશે. ખાસ કરીને આ પાર્કમાં નાના વિમાનોની મરામત જાળવણી પણ થઈ શકશે. જેના કારણે લાંબા ગાળે મોટા વિમાનોના રીપેરીંગ-જાળવણી વિ. માટે પણ તક રહેશે.

ગુજરાતના નાગરિક ઉડ્ડયન સચીવ હરીત શુકલાએ આ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની આ પાર્ક પ્રોજેકટ લોન્ચ કરશે. રાજકોટ એ ઓટો તથા એન્જીનીયરીંગ ઉત્પાદનમાં હબ છે. અહી દુનિયાભરની ઓટો તથા વિમાની કંપનીઓ માટે નાના પાર્ટસ ધરાવતા એકમો છે અને તેની આ ઉદ્યોગને પણ નવી તક મળશે. ઉપરાંત અહી ફલાઈટ સીમ્યુલેટર્સ એવીએશન એન્ડ એરોસ્પેસ મેનેજમેન્ટ સ્કુલ વિ. સ્થાપવામાં આવશે. નાના વિમાનો અહી લેન્ડ થઈ શકશે. આ પાર્ક આગામી બે વર્ષમાં કાર્યરત થઈ જશે.

આ સમાચારને શેર કરો