Placeholder canvas

ફરી પાછી માવઠાની મોકાણ: અંબાલાલ પટેલે ફરી કરી નવી આગાહી…

આ વખતે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હજુ માવઠું પીછો નહીં છોડે. કરા સાથે માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 2થી 4 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક આવી સિસ્ટમો સર્જાશે. મહત્વનું છે કે આવી સિસ્ટમોની વૈશ્વિક અસરો પણ ઘણી જ થતી હોય છે.

મહત્વનું છે કે ભરશિયાળે ગુજરાત પર ત્રાટકેલું હાલનું માવઠું ખૂબ જ ઘાતક સાબિત થયું છે. ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદને કારણે ખેતરના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. માવઠા બાદ વાતાવરણમાં હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે. આવામાં આવનારા સમય માટે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. તેમણે આવનારા સમયમાં હવામાનમાં જોવા મળનારા મોટા ફેરફાર અંગે વાત કરી છે.

અંબાલાલ પટેલે તેમની આગાહીમાં 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડાંની અસર રહેશે. 8 ડિસેમ્બર સુધી વાવાઝોડાની આ સિસ્ટમનું જોર રહેશે. તેનાં કારણે દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના છે. ભેજવાળા પવનો આ વાવાઝોડાંની સિસ્ટમ સાથે મર્જ થશે. આ દિવસોમાં દેશના દક્ષિણ પૂર્વીય ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ થઈ શકે છે. ભારે પવન અને કરા સાથે વર્ષા શકે છે. આ સિવાય ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષાના સંકેત છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 2 થી 16 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 19થી 22 ડિસેમ્બરમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવશે. ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. રાજ્યના મોસમમાં શિયાળાનું જોર વધશે અને ઠંડીનો પારો વધુ ગગડશે. 9થી 16 ડિસેમ્બરમાં ઠંડીનું જોર વધુ હશે.

ગુજરાત પર વધુ એક માવઠાનું સંકટ છે
ગુજરાતમાં 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બરમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતમાં દક્ષિણ ભારતના ઈશાનના ચોમાસાની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં હવામાનની અસ્થિરતાથી માવઠું આવશે. જેની અસરના કારણે પહેલી ડિસેમ્બરથી વાતાવરણમાં પલટાની શરૂઆત થશે. જ્યારે 2, 3 અને 4 ડિસેમ્બર હળવા વરસાદની સંભાવના છે. આ સિસ્ટમની અસરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે. જો કે, આ માવઠા છુટાછવાયા હશે અને તેની તીવ્રતા ઓછી હશે.

ક્યાં ક્યાં વરસાદની આગાહી
આગામી બે દિવસ ગુજરાતમાં ફરી એકવાર સામાન્ય વરસાદની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડમાં માવઠું પડી શકે છે. ગુરૂવારે તેમજ શુક્રવારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે. ઠંડીનું જોર વધતા રવિ પાકોને ફાયદો થશે. ઘઉં સહિત. રાયડા અને સરસવના પાકને વધુ ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત અલનીનોની અસર પણ તેને સાનુકૂળ રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો છે. માવઠાના માર બાદ હવે ઠંડી કહેર વર્તાવવા તૈયાર છે. રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. અનેક શહેરોમાં ઠંડીનું જોર વધતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે.

આ સમાચારને શેર કરો