પડધરીમાંથી ગુમ થયેલી 8 વર્ષની બાળકી દહીંસરકાથી મળી આવી
બાળકીને એક શખ્સ મોટી કરી વહેંચી નાણા મેળવવા ઉઠાવી ગયો’તો : આરોપીની પુછપરછ કરાશે : પરિવારના સભ્યોની સંડોવણી છે કેમ? તપાસ હાથ ધરી
રાજકોટ: પડધરીમાં રહેતા અને વાડીમાં મજુરી કામ કરતા આદિવાસી શ્રમિક પરિવારની આઠ વર્ષની પુત્રીના ગયા મહિને લાપતા થતા અપહરણની ફરિયાદ બાદ પડધરી પોલીસે ભેદ ઉકેલી એક શખસને પકડી બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
બનાવની વિગતો મુજબ,પડધરીમાં બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે અચાનક લાપતા થતા તેની શોધખોળ બાદ ગત તા.24 ના રોજ અપહરણની ફરિયાદ પડધરી પોલીસ મથકે નોંધાવાઈ હતી.તે સમયે પડધરી પોલીસે સી.સી.ટીવી ચકાસ્યા હતા પરંતુ ખાસ કડી મળી ન હતી. એ દરમિયાન દહીસરડા ગામે વાડીએ રહેતા એક આદિવાસી પરિવારને ત્યાં થોડા દિવસથી એક બાળકી રહેતી હોવાની માહિતી મળતા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.એસ.આઈ. કે.એ.જાડેજા,યુવરાજસિંહ ગોહિલ સહિતનો ત્યાં સ્ટાફ દોડી ગયો હતો.બાળકી મળી આવી હતી.બાળકીને તેના જ વતનનો ત્રીસ વર્ષીય પરિણિત શખસ ઉઠાવી ગયો હતો.
આરોપીને પકડી પૂછપરછ કરતા,તેણે પોલીસ સમક્ષ બાળકીને મોટી કરીને પોતાના વતનમાં પરણાવી દેવી હતી જેથી તેમને નાણાં મળે ત્યારબાદ બાળકીને વેચવાના ઈરાદે લઈ આવ્યો હોવાનું કબુલ કર્યું હતું.આરોપીને હાલ સકંજામાં લઇ પૂછપરછ આદરી છે.તેમજ બાળકીના અપહરણ મામલે તેમના પરિવારના સભ્યોની સંડોવણી છે કે કેમ? તે અંગે પૂછપરછ કરવામાં આવશે.