રાજકોટ: મેટોડામાં છરીની અણીએ સોનાના ચેઇનની લૂંટ !!

મેટોડા પોલીસ ચોકીએ ફરીયાદ કરવા પહોંચેલા રાધાબા રાણા સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન, પોલીસે સ્થળ મુલાકાત પણ ન કરી : એસ.પી.ને રજુઆત : સપ્તાહ પહેલાની ઘટના, બે લૂંટારૂઓ ફરાર, વચ્ચે પડેલા ક્ષત્રિય મહિલાને હાથમાં છરી વાગી

રાજકોટ: મેટોડામાં સપ્તાહ પહેલા છરીની અણીએ ર4 ગ્રામના સોનાના ચેઇનની લૂંટની ઘટના બની છે જોકે પોલીસે આ અંગે ફરીયાદ ન નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેટોડા પોલીસ ચોકીએ ફરીયાદ કરવા પહોંચેલા રાધાબા રાણા સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન થયાનો પણ આરોપી લગાવવામાં આવ્યો છે. આ સિવાય પોલીસે સ્થળ મુલાકાત લેવાનું કીધા બાદ બનાવ સ્થળે ન આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલો હાલ જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો છે. ભોગ બનનારે આ અંગે લેખિત રજુઆત કરી છે.

મળેલ માહિતી મુજબ લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.1 પાસે અંજલી પાર્કમાં આવેલ વ્રજવિલા એપાર્ટમેન્ટમાં રહેતા રાધાબા જીતેન્દ્રસિંહ રાણાએ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને લેખિત રજુઆત કરી છે. જેમાં રાધાબાએ જણાવ્યું છે કે હું મારા સંતાનો સાથે વ્રજવિલા એપાર્ટમેન્ટમાં રહું છું. પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છે. મને પગમાં ઇજા હોવાથી મેં નોકરીની રજા રાખી હતી. ત્યારે તા.6/1ના રોજ બપોરે ત્રણેક વાગ્યે હું મારા સંતાનો સાથે મારા ઘરમાં હતી ત્યારે મફરલ બાંધી ઘરમાં બે શખ્સો ઘુસી આવ્યા હતા અને એક શખ્સે પોતાના નેફામાંથી છરી જેવું ધારદાર હથિયાર કાઢયુ હતું. અને મને કહ્યું હતું કે જે કંઇ રકમ કે કિંમતી વસ્તુઓ હોય તે અમરા હવાલે કરી દે. જેથી હું અને મારા સંતાનો ખુબ ડરી ગયા હતા. જેથી મેં તે લોકોને કહ્યું કે, અમારા ઘરમાં માત્ર 24 ગ્રામનો સોનાનો એક ચેઇન છે. બીજા દાગીના મારા સાસુ પાસે છે ત્યારે બેમાંથી એક શખ્સ મારા ગળા પર છરી રાખી મને કહ્યું કે ચલ, કહે કે, આ ચેન કયાં છે ? તેથી હું ફ્રિઝ પર પડેલો સોનાનો ચેઇન લેવા જતા આ શખ્સે મારા હાથ પર છરીનો ઘા મારી દીધો હતો અને ચેઇન ઝુંટવી બંને શખ્સો ફરાર થઇ ગયા હતા. ભાગતા સમયે મને ધકકો મારતા હું નીચે પડી ગઇ હતી. આ ઘટના બનતા મારા સંતાનો રડારડ કરવા લાગ્યા હતા.

રાધાબા રાણાએ વધુમાં જણાવ્યું કે, લૂંટારૂ ફરાર થઇ જતા મેં તુરંત મારા પતિને ફોન કરી ઘરે બોલાવ્યા હતા અને ફરીયાદ કરવા માટે મેટોડા પોલીસ ચોકીએ પહોંચ્યા હતા. જયાં અમને દોઢ બે કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા ત્યારબાદ હાજર પોલીસ અધિકારીએ કહ્યું કે તમે બનાવ સ્થળે પહોંચો પોલીસ પાર્ટી આવશે. તેમ કહી અમને પોલીસ ચોકીમાંથી તગેડી મુકયા હતા અમે ઘરે પહોંચ્યા બાદ લાંબા સમય પછી પોલીસ અંજલી પાર્ક ચોક સુધી આવી અમને ફોન કરી ત્યાં બોલાવ્યા અમે ત્યાં પહોંચતા પોલીસે અમારી સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કર્યુ અને બનાવ સ્થળનું નિરીક્ષણ કર્યા વગર જ પોલીસ પરત જતી રહી હતી.

બીજા દિવસે હું મારા સાસુ સાથે ફરીયાદ કરવા પોલીસ ચોકીએ પહોંચી હતી પોલીસે ફરીયાદ ન નોંધી ઉલ્ટાનું અમારા વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની ધમકી આપી અને પોલીસની ધમકીથી ડરી ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસ ચોકીએ જવામાં ડર લાગતો હોવાથી એસ.પી.ને રજુઆત કરવાની ફરજ પડી છે. રાધાબા રાણાએ ફોજદારી કાર્યવાહી કરવા અને લુંટારૂ આરોપી સામે સખ્ત કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.


આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •