રાજકોટ પોલીસે દત્તક લીધેલી અમી ચોલેરા રૂ.1.23 લાખના ડ્રગ્સ સાથે પકડાઈ
રાજકોટ શહેર પોલીસે જેને દત્તક લીધી હતી તે યુવતી અમી દિલીપ ચોલેરા (ઉ.વ.23, રહે. 11/12 કરણપરા, રાજહંસ એપાર્ટમેન્ટ, રાજકોટ) રૂ.1.23 લાખના ડ્રગ્સ સાથે પકડાઈ હતી. એસઓજીની ટીમે રેસકોર્સમાં બાલભવનના ગેઇટથી અંદર પ્લેનેટોરિયમ પાસેથી અમીને 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી હતી.
એસઓજી પીઆઈ જે.ડી. ઝાલા, એએસઆઈ ડી.બી. ખેર, હેડકોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, અરુણભાઈ બાંભણીયા, મહિલા કોન્સ્ટેબલ નાઝનીનબેન અને ડ્રાઇવર કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ જાડેજાની ટીમે વોચ ગોઠવી બાતમીના આધારે અમીને પકડી હતી. તેણી જીજે 03 એલએસ 4749 નંબરના એક્ટિવા પર આવી હતી. પોલીસે તેની ઝડતી લઈ ડ્રગ્સ કબ્જે કરેલું અને સ્થળ પર જ એફએસએલ અધિકારી વાય. એચ. દવેએ પ્રાથમિક અભિપ્રાયમાં આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું કહ્યું હતું. એસઓજીની ટીમે પ્રદ્યુમન નગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.
અમીની આગવી ઢબે પૂછપરછ કરાતા અનેક યુવાનોને ડ્રગ્સના નર્કમાં ઘુસાડનાર કહેવાતો ફ્રૂટનો વેપારી જલ્લાલુદ્દીન મેફેડ્રોન સપ્લાય કરતો હોવાનું ખુલ્યું હતું. અમી પેડલર તરીકે કામ કરતી અને માલેતુજાર પિતાના નબીરાઓ, કોલેજીયન યુવક-યુવતીઓને ડ્રગ્સ પહોંચાડતી હતી. તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરશે.