રાજકોટમાં એરપોર્ટ જેવું બસપોર્ટ તૈયાર, મલ્ટિપ્લેક્ષ-સુપર માર્કેટ સહિત આધુનિક સુવિધા
રાજકોટ : ગોંડલ રોડ પર જૂના બસ સ્ટેન્ડને તોડીને અતિઆધુનિક નવા બસપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક આધુનિક એરપોર્ટ જેવુ જ રાજકોટનું નવું બસપોર્ટ તૈયાર થઇ ચુક્યું છે. પ્રજાસતાક પર્વની ઉજવણીના અલગઅલગ કાર્યક્રમોમાં આ નવા બસપોર્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે થશે.
આ બસ સ્ટોપ 11,178 ચોરસ મીટરમાં 156 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. નવા બસપોર્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ યાત્રીઓને પ્રાપ્ત થઇ શકશે. બસપોર્ટના બે માળ રહશે તેમજ તેમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ હશે. આ ઉપરાંત રિટેલ, સુપર માર્કેટ, શોપિંગ મોલ, ગેમ ઝોન, જિમ, મલ્ટીપ્લેક્ષ સિનેમા, હોટેલ અને ફૂડકોર્ટ હશે. આ ઉપરાંત કેન્ટીન, વ્હીલચેર, આધુનિક પ્રતિક્ષા ખંડ વગેરે પણ છે.
બસપોર્ટને 11,178 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. બસપોર્ટમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ હશે. કુલ ચાર માળમાં 350 જેટલી કોમર્શિયલ દુકાનો, ઓફિસ, તેમજ 35 બસ સ્ટેન્ડબાય રાખવા માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. બસપોર્ટમાં 20 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ ટિકિટ અને પૂછપરછ કાઉન્ટર પણ હશે. બસપોર્ટની અંદર દરેક જગ્યા પર સીસીટીવી કેમેરા લાગેલા હશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે, ત્યારે સૌથી વધુ મુસાફરો અહીંથી અવર જવર કરે છે. યાત્રિકોની સુવિધા માટે મુખ્ય બસપોર્ટ ઉપરાંત માધાપર ચોકડી ખાતે પણ બસસ્ટોપ ચાલુ જ રહેશે. હાલ પૂરતું અત્યારનું શાસ્ત્રી મેદાન ખાતેનું બસ સ્ટોપ પણ ચાલુ રહેશે, જેનાથી મુસાફરોને અગવડતા ન પડે.
બસપોર્ટમાં અલગ અલગ રૂટ મુજબ ટ્રાફિક નડે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ રાજકોટ માટે તૈયાર થયેલા નવા બસપોર્ટની રાજકોટવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જે આતુરતાનો હવે અંત આવવાની તૈયારીમાં છે.