Placeholder canvas

વાંકાનેર: રાજાવડલા ગામે યુવાન પર હુમલો કરનાર આરોપીને 5 વર્ષની કેદ 

વર્ષ 2017માં બનેલા મારામારીના કેસમાં વાંકાનેર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ગત વર્ષ 2017માં યુવાન પર હુમલો કરવાનો કેસ આજે અહીંની કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી આ મારમારીના કેસમાં આરોપીને 5 વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના રાજાવડલા ગામે ગત તા. 22.5.2017 ના રોજ કૈલાસભાઈ પ્રેમજીભાઈની કેબિને આ જ ગામમાં રહેતા ફરિયાદી બાબુભાઈ મંગાભાઈ સોલંકી તથા તેમનો પુત્ર નિલેશ ઉભા હતા. તે સમયે આરોપી રાજેશભાઈ ગોબરભાઈ સુરેલા ત્યાંથી નીકળ્યા હોય અને ગાળો બોલતા હોવાથી આ પિતા-પુત્રએ તેમને જાહેરમાં ગાળો બોલવાની ના પાડી હતી. આથી, ઉશ્કેરાયેલા આરોપીએ પિતા-પુત્ર બન્નેને ગાળો આપી તેમજ ફરિયાદીના પુત્ર નિલેશભાઈને પેટના ભાગે છરીથી હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે જે તે વખતે બાબુભાઈ મંગાભાઈ સોલંકીએ આરોપી રાજેશભાઈ ગોબરભાઈ સુધરેલા સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તે સમયે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ મારમારીનો કેસ વાંકાનેરના એડી.ચીફ જ્યૂડી.મેજિસ્ટ્રેટ એ.આર.રાણાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.એલ. દરજીની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઇ કોર્ટે કલમ 326 હેઠળ આરોપીને તકસીરવાન ઠેરવી તેને 5 વર્ષની સજા ફટકારી છે તેમજ રૂ.10 હજારનો દંડ અને આ દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે રૂ.7 હજાર ચૂકવવાનો હુકમ આપ્યો છે.

આ સમાચારને શેર કરો