skip to content

દસાડા-વડગામ હાઇવે પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 4ને ઇજા…

દસાડા-વડગામ હાઇવે પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા ચાર વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ મારફત વિરમગામ હોસ્પિટલે ખસેડાયા હતા. અમદાવાદના પરિવારને વડગામ પાસે અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માત અંગેની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદનો પરિવાર શંખેશ્વર પૂનમ ભરવા જતો હતો તે સમયે દસાડા વડગામ હાઇવે પર સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર નંબર-GJ-02-DE-2605 દ્વારા હુંડાઈ કંપનીની વેન્યુ કાર નં- GJ-01-WH-5397ને જોરદાર ટક્કર મારતા ગાડી રોડ નીચે ઉતરીને પલ્ટી ખાઈ ગઈ હતી.

જેમા હુંડાઈ વેન્યુ કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમાં ગાડીના ચાલક રાહીલભાઈ સંજયભાઈ શાહને શરીરે અને માથાના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે દેવેન્દ્રભાઈ દિનેશભાઈ શાહને માથાના ભાગે અને બંને હાથના ભાગે સામાન્ય ઇજાઓ, જ્યારે નિલેશભાઈ જીતેન્દ્રભાઈ શાહને આંખે અને છાતીના ભાગે સામાન્ય ઇજાઓ અને નિલેશભાઈના પત્નિ કિંજલબેન જીતેન્દ્રભાઈ શાહને માથાના ભાગે તથા બંને પગમાં ફ્રેકચર થવા પામ્યું હતુ. જેઓએ 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે વિરમગામ હોસ્પિટલે વધુ સારવાર અર્થે રાહીલભાઈ અને કિંજલબેનને અમદાવાદ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. જ્યારે નિલેશભાઈ જીતેન્દ્રભાઈ શાહ દ્વારા દસાડા પોલીસ મથકે સ્કોર્પિયો ચાલક વિરૃદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધાવતા દસાડા પોલીસે ફરીયાદના આધારે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

આ સમાચારને શેર કરો