Placeholder canvas

સાયલાના ગોસળ પાસે કાર અકસ્માતમાં એકનું મોત, નાના બાળકો,મહિલાઓ સહિત 14ને ઇજા.

સાયલા તાલુકાના ગોસળ ગામ પાસે ઈનોવા કારનું ટાયર ફાટતા કાર અન્ય પેસેન્જર વાહન સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દેવદર્શન કરવા નિકળેલા સુરતના બે પરિવાર અકસ્માત નડયો હતો. જ્યારે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. અને 14 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલમા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

સુરતના બે પરિવારના સભ્યો પેસેન્જર વાહનમા દેવદર્શન કરવા ગયો હતો. જેમાં સારંગપુર, ગઢડા અને ચોટીલા દેવદર્શન કર્યા બાદ સુરત તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામ પાસે એક ઈનોવાનું ટાયર ફાટતા તેમનું વાહન અન્ય કાર સાથે ધડાકાભેર ટકરાયું હતુ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામા અક્ષિતભાઈ કિરીટભાઈ રૂપારેલીયા ( રહે-જુનાગઢ, ઉં.વર્ષ 21 )નું કમકમાટીભર્યું મોત થયું હતુ. જ્યારે નાના બાળકો, મહિલાઓ સહિત 14 જેટલા વ્યક્તિઓને માથાના ભાગે અને હાથે-પગે ઈજાઓ થઈ હતી.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં સાયલા, મુળી, ડોળિયા સહિતની 108 એમ્બ્યૂલન્સ વાન તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને 14 જેટલા ઈજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. અહીં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ હાઇવે પર અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સાયલા પોલીસ પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતકના પરિવારને જાણ કર્યા બાદ ડેડબોડીનું સાયલા હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો