Placeholder canvas

કોરોના વાયરસનો ગુજરાતમાં પ્રવેશ, સાબરકાંઠા-મહેસાણામાં 3 કેસ શંકાસ્પદ

ચીનના વુહાનમાં પ્રસરેલા કોરોના વાઇરસના કહેરને કારણે વિશ્વભરમાં ચકચાર મચી ગઇ છે. ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 361 થઇ ગઇ છે જ્યારે 17,205 લોકો આ ઘાતક બીમારીથી પીડિત છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પ્રવેશ થયો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણામાં 3 કેસ શંકાસ્પદ જણાતા તેમણે તાત્કાલીક સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં ચીનથી પરત ફરેલા મુસાફરોનું જે તે જિલ્લામાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. જેમાં મહેસાણા અને સાબરકાંઠામાં 3 કેસ શંકાસ્પદ જણાતા તંત્ર એલર્ટ થઇ ગયુ હતું. 13 જાન્યુઆરીએ ચીનથી પરત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિનીને સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં સિવિલમાં બનાવેલા આઇસોલેશન વોર્ડમાં ખસેડાઇ હતી. અહી તેનો રિપોર્ટ કરાવી પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે સાબરકાંઠાના બે વિદ્યાર્થી સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતા તેમણે પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. સોમવારે ચીનથી ભારત પરત ફરેલા બનાસકાંઠાના 42 અને સાબરકાંઠાના 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરાયુ છે.

મહેસાણાની હાલ એ યુવતી આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં છે. હાલ મેડિકલ અને પેરામેડિકલ ટીમ ચીનથી આવેલા તમામ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે.

જ્યારે સાબરકાંઠામાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા બન્ને વિદ્યાર્થીઓને હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ચીનથઈ આવેલા બે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બન્નેને અત્યારે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો