ફૂટપાથ પર રહેતા પરિવારની 3 વર્ષની માસૂમ બાળાનું અપહરણ !
સુરતના મહિધરપુરા વિસ્તારમાં બાળકીનું અપહરણ થવાની ઘટના સામે આવી છે. બાળકનું પરિવાર ફૂટપાથ ઉપર હતું તે સમયે જ બાળકીનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહિધરપુરા વિસ્તારના રૂવાળા ટેકરા પાસેથી બાળકીનું અપહરણ થયું છે. પરિવાર ઘણા વર્ષોથી ફૂટપાથ ઉપર જ રહે છે. ફૂટપાથ ઉપર જ રાત્રે પાથરણા પાથરીને સૂઈ જતા હોય છે. પરિવારના સભ્યો સવારે જાગીને તેના કામમાં હતા. તે દરમિયાન જ પરિચિત મહિલા જાગી ગયેલી બાળકીને ઉપાડી લે છે. માતા આસપાસમાં ક્યાંક ગયા હોવાથી તેમની જાણ બહાર જ આ મહિલાએ બાળકીને પોતાની પાસે લઈ લીધી હતી.
બાળકીનું અપહરણ થયા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, બાળકીને જ્યારે માતા થોડે દૂર હતા. ત્યારે એક મહિલા પોતાની પાસે લઈ લે છે. મહિલા જે દેખાઈ રહી છે. તે પરિચિત હોવાનું સામે આવી રહ્યું છે. માતાએ આ પરિચિત મહિલા દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત પોલીસને પણ કહી છે. સીસીટીવીના આધારે ત્રણ વર્ષની બાળકીને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે.