Placeholder canvas

મોરબીમાં કારખાનેદારનું અપહરણ કરી રૂ. 5 લાખની ખંડણી ઉઘરાવાય

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ કારખાનેથી પરત આવતા હતા. ત્યારે કેટલાક ઇસમોએ બાઈકને ધક્કો મારી પછાડી દઈને છરી બતાવી ધમકી આપી અપહરણ કરી ગયા હતા અને કારખાનામાં કામ કરતા ત્યારનો દોઢ લાખનો હિસાબ બાકી છે. જેના બદલે દસ લાખની માંગણી કરી હતી. ઉદ્યોગપતિએ ભાગીદારને ફોન કરીને પાંચ લાખની વ્યવસ્થા કરી આપતા રકમ લઈને વેપારીને અમદાવાદ પાસે ઉતારી આરોપીઓ ફરાર થયા

આ બનાવની મળતી વિગત મુજબ, મોરબીના લીલાપર કેનાલ રોડ પર રહેતા જીજ્ઞેશભાઈ ભટ્ટાસણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ઘૂટું બેલા રોડ પર વુગા સિરામિક સેનેટરી વેર કારખાનામાં તેઓ ભાગીદાર હતા. સવારે આઠ વાગ્યે ઘરેથી કારખાને જવા નીકળ્યા હતા અને ઘૂટું બેલા તરફ જતા રસ્તે પહોંચ્યા ત્યારે મોઢે રૂમાલ બાંધેલ ઇસમે અચાનક ઝાડીમાંથી આવી ધક્કો મારી બાઈક નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ઇકો કાર આવી જેમાં પાછળના ભાગે બેસાડી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને ગાડીમાં કુલ ચાર શખ્સો બેઠા હતા. જેમાં મોઢા પર રૂમાલ બાંધેલા ઇસમે મોઢા પરનો રૂમાલ હટાવતા તે કારખાનામાં અગાઉ કામ કરતો પવન અને મનોજ ઉર્ફે ટાપન બહેરા હતા અન્ય બીજા બે અજાણ્યા ઈસમો હતા.

ઇકો કાર હળવદ આસપાસ પહોંચતા મનોજ ઉર્ફે ટાપને કહ્યું કે, અગાઉ કારખાનામાં કામ કરતો ત્યારના આશરે દોઢ લાખ લેવાના નીકળે છે. જે નીકળતા રૂપિયા માંગવા છતાં જેથી હવે દસ લાખ રૂપિયા આપવા પડશે. આટલા રૂપિયાની વ્યવસ્થા ના થઇ શકે કહેતા છરી બતાવી ધમકી આપી હતી. કે જો તું રૂપિયા નહીં આપ તો છરીથી જાનથી મારી નાખીશ. જેથી ઉદ્યોગપતિએ ગભરાઈને ફોન ચાલુ કરવાનું કહેતા ભાગીદાર વિશાલભાઈને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું હતું અને ભાગીદાર વિશાલભાઈએ ઢુવાની રાધે હોટેલ પાછળ માટેલ રોડ પર ઓમ ઇલેક્ટ્રિક સામે કોઈ વ્યક્તિને રૂ. 5 લાખ આપી ફોન કર્યો હતો. જે વેરીફાઈ થતા અપહરણ કરનાર ઇસમોએ ઉદ્યોગપતિને અમદાવાદ ઉતારી દીધા હતા અને ઇકો કાર લઈને નાસી ગયા હતા.

પછી ઉદ્યોગપતિએ અમદાવાદ રહેતા તેના ભાઈ જતીનને ફોન કરતા તેઓ મોડી રાત્રે મોરબી પહોંચ્યા હતા. આમ આરોપી મનોજ ઉર્ફે ટાપન હરિહર બેહરા, પવન ખુમસિંગ મજરા, રાજકુમાર, ઇકો ગાડીનો ડ્રાઈવર અને જયંતાકુમાર હરિહર બહેરા એમ પાંચ ઇસમોએ ઉદ્યોગપતિનું અપહરણ કર્યાની મોરબી તાલુકા પોલીસે અપહરણ અને ખંડણી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો