ચોટીલા: સોમનાથ જતી બસમાં અચાનક લાગી આગ, એક મહિલાનું મોત

ચોટીલા: આપા ગીગાના ઓટલા પાસે આજે વ્હેલી સવારે સોમનાથ દર્શનાર્થે જતી બસમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા ભારત સરકારના પૂર્વ ઉચ્ચ અધિકારીના પત્નીનું બસમાં જ સળગી જતાં મોત નિપજ્યું છે.

બનાવની મળતી વિગત મુજબ, વાપીથી નીકળેલી અને સોમનાથ જતી બસ ચોટીલા નજીક આવેલા ધાર્મિક સ્થાન આપા ગીગાના ઓટલા પાસે પહોંચતા અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જતાં ચાલકે બસને હાઈવે પરથી સાઈડમાં લીધી હતી અને તુરંત જ પેસેન્જરોને ઉતારવા તજવીજ ફાયર બ્રિગેડનો સંપર્ક સાધ્યો હતો.

જો કે બનાવમાં કેટલાક મુસાફરો દાઝી ગયા હતા અને જોતજોતામાં જ આગે વિકરાળ રુપ લઇ લેતા બસમાં સવાર લતા પ્રભાકર મેનન (ઉ.વ.70) બસમાંથી બહાર ન નીકળી શકતા તેઓ બસમાં જ બળીને ભડથુ થઇ ગયા હતા.

આ બનાવના પગલે ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. ચોટીલાના પીએસઆઈ જે.જે. જાડેજા અને તેની ટીમ ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ન્યૂ સૂર્યદીપ ટ્રાવેલ્સની આ બસ હતી. બસમાંથી મૃતક લતાબેનનો મૃતદેહ બહાર કાઢવા તજવીજ કરાઈ હતી.

જો કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ બસ તો બળીને ખાખ થઇ ગઇ હતી. હૃદયદ્રાવક આ બનાવમાં વૃધ્ધાના મોતથી તેમની સાથે રહેલા અન્ય પેસેન્જરોમાં શોક છવાયો છે. ઉપરાંત દાઝી ગયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ સમાચારને શેર કરો