Placeholder canvas

રીક્ષામા ઉલટીના બહાને વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાં મુસાફરોના મોબાઇલ, રોકડ ચોરતી ટોળકી ઝડપાઇ

મોરબી : મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી મુસાફરની નજર ચુકવી તેના મોબાઇલ ફોન, રોકડ ચોરી લેતી ચાર શખ્‍સોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી લીધી છે. આ ટોળકીએ વાંકાનેર, જામનગરના ધ્રોલ તેમજ રાજકોટ સહિતના શહેરોમાં 36 લોકોને ‘શિકાર’ બનાવ્‍યાનું ખુલ્‍યું છે. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચંડાળ ચોકડી પાસેથી રૂા. 14 હજાર રોકડ, 34 હજારના 4 મોબાઇલ ફોન, ત્રણ રિક્ષા કિંમત રૂપિયા 1.90 લાખ મળી કુલ 2.38 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીને આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી ઉલટી, ઉબકા કરવાના બહાને મુસાફરોના ખિસ્સા ખાલી કરી નાખતા આરોપી રાહીલ ઉર્ફે રાહુલ દીલાવરભાઈ બાબુવાણી, રહે. ભગવતીપરા મેઇન રોડ, આરએમસી ક્‍વાર્ટર રાજકોટ, રફીક ઉર્ફે ભૂરો હનીફભાઈ શેખ, રહે. આરએમસી ક્‍વાર્ટર, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ, ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઈ મકવાણા, રહે. ગાયત્રીનગર મેઈન રોડ, ભક્‍તિનગર સર્કલ પાસે, ફૂટપાથ પર રાજકોટ અને રમજાન ઉર્ફે રમજુ હુસેનભાઈ રાઉમા, રહે. શિવાજી ચોક, ભગવતીપરા વાળાને ઝડપી લીધા હતા

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ચાર સભ્યોની આ ટોળકીના ચારમાંથી કોઇ એક રિક્ષા ચલાવતો હોય છે અને બાકીના પાછળ મુસાફરના સ્‍વાંગમાં બેઠા હોય છે. બાદમાં એકલ દોકલ મુસાફરને પાછળ બેઠેલા સાગ્રીતની વચ્‍ચે બેસાડી રિક્ષા ચાલુ થાય પછી સાગ્રીત પોતાને ઉલ્‍ટી થાય છે તેવો ઢોંગ રચી ચાલુ રિક્ષાએ બહારની સાઇડ ઉબકા કરવાનો ઢોંગ કરે છે. એ દરમિયાન બીજો સાગ્રીત જે તે મુસાફરના ખિસ્‍સામાંથી મોબાઇલ ફોન અથવા રોકડ સેરવી લઇ બાદમાં કોઇને કોઇ બહાનુ કરી જે તે મુસાફરને ઉતારી મુકી ભાગી જતા હતા.

આ સમાચારને શેર કરો