ગાંધીનગર: જૂના સચિવાલયમાં વિકાસ કમિશ્નર કચેરીમા આગ, બધુ બળીને થઈ ગયું ખાખ.
ગાંધીનગરના જૂના સચિવાલયની આજે સવારે ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના અરસામાં જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે લાગી હતી. જેમાં વિકાસ કમિશ્નર કચેરી ઝપેટમાં આવી ગઇ હતી.
આ આગ નજરે જોનારા મુજબ સૌ પ્રથમ બારીમાં ધુમાડા નીકળતા જોયા હતા અને પછી ઊંચે સુધી ધુમાડા ગયા અને આગ પ્રસરી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની 4 ગાડીઓ આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે. અત્યારે ધુમાડાને બહાર કાઢવાની અને કુલીંગ કરવાની કામગીરી કરાઇ રહી છે. જે બાદ FSLની પહોંચીને ચેક કરશે. ત્યારબાદ આગનું કારણ બહાર આવશે.
મોટી જાનહાનિ ટળી
આ આગ લાગી ત્યારે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવાથી કચેરી ખાલી હતી જેને લઇને જાનહાનિ ટળી હતી. જોકે, કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.