જંગલેશ્વરમાં મોટો ડખ્ખો પોલીસે રોક્યો : બંદૂક-તલવાર-ધારિયા સાથે 8ની અટકાયત

15 મહિના પહેલાં યુવતીએ જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવકની બહેનની આજે સગાઈ હોય તેનું માંગું લઈને પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનો ધસી ગયા’ને શરૂ થયો ડખ્ખો
‘અમે તમને અમારી દીકરી આપી, હવે તમે પણ તમારી દીકરી અમને આપો’ તેમ કહી પ્રસંગ અટકાવવા પ્રયાસ થતાં મામલો બીચક્યો’ને હથિયારો નીકળવાનું થઈ ગયું શરૂ !

રાજકોટ ; આજે અષાઢી બીજનો તહેવાર હોય તેની શાંતિપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય તે માટે પોલીસે ખડેપગે રહીને બંદોબસ્ત જાળવ્યો હતો. આ બધાની વચ્ચે અત્યંત સંવેદનશીલ ગણાતાં જંગલેશ્વર વિસ્તારમાં આજે એક મોટી ઘટના આકાર લ્યે તે પહેલાં જ પોલીસે સમયસુચકતા વાપરી તેને અટકાવી દેતાં લોકોના શ્વાસ હેઠા બેઠા હતા. ભક્તિનગર પોલીસે આજે જંગલેશ્વરમાં કશુંક થવાનું છે તેવી ભનક લાગતાં જ દોડી જઈને ડખ્ખો અટકાવ્યો હતો અને એરગન, છરી, તલવાર, ધારીયા સહિતના હથિયારો કબજે લઈ આઠ લોકોની અટકાયત કરી લીધી હતી.

આ આખીયે ઘટનાની જાણવા મળતી વિગતો પ્રમાણે આજથી પંદર મહિના પહેલાં ક્રિષ્ના દેવરાજ બકુત્રા નામની આહિર યુવતીએ રણજીત ડવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન થયા બાદ બન્ને વચ્ચે શાંતિપૂર્વક ઘરસંસાર પણ ચાલી રહ્યો હતો. દરમિયાન આજે રણજીત ડવના બહેન પૂનમ ડવનો જંગલેશ્વરમાં સગાઈ પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે વિપુલ ઘોઘાભાઈ બકુતરા (ઉ.વ.28) કે જે રણજીત ડવ સાથે પ્રેમલગ્ન કરનાર ક્રિષ્ના બકુતરાના સગા કાકાનો છોકરો થાય છે તે સહિતના દસેક જેટલા શખ્સો ચાલું સગાઈએ દોડી ગયા હતા.

અહીં ધસી આવીને તેમણે કહ્યું હતું કે ‘અમે ક્રિષ્નાના લગ્ન રણજીત સાથે કરાવ્યા છે અને તેમાં કોઈ વાંધો લીધો નથી એટલે પૂનમની સગાઈ પણ વિપુલ સાથે જ થવી જોઈએ.’ જો કે પૂનમને વિપુલ પસંદ ન હોય તેણે ઘણા દિવસ પહેલાં જ તેની સાથે સગાઈ કરવાનો ઈનકાર કરી દીધો હોવા છતાં આજે ક્રિષ્ના બકુતરાના પરિવારજનો સગાઈ અટકાવવા દોડી ગયા હતા.

વાતચીત શરૂ થયા બાદ તું તું મેં મેં શરૂ થઈ જતાં ગરમાગરમી શરૂ થઈ ગઈ હતી અને જોતજોતામાં હથિયારો નીકળવાનું શરૂ થઈ જતાં લોહીયાળ ધીંગાણું ખેલાઈ જશે તેવું ત્યાં ઉપસ્થિત લોકોને લાગી રહ્યું હતું. બીજી બાજુ પોલીસ આજે અષાઢી બીજના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં કોઈ સ્થાનિકે આ ઘટના અંગેની ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે ક્ષણભરનો વિલંબ કર્યા વગર જંગલેશ્વરમાં દોડી ગઈ હતી અને તાત્કાલિક હથિયારો કબજે કરીને ડખ્ખો કરી રહેલા આઠ લોકોની અટકાયત કરી લઈને મામલો થાળે પાડ્યો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલાં જ ડખ્ખાને કારણે ભોજનની ડીશના છૂટા ઘા થઈ ગયા હતા.

પોલીસે ડખ્ખો કરી રહેલા સુખા નાગદાનભાઈ બકુત્રા, વિપુલ ઉર્ફે ગડો સુખાભાઈ બકુત્રા, વિપુલ ઘોઘાભાઈ બકુત્રા, શોભુબેન ધર્મેશભાઈ બકુત્રા, રણજીત બાબુભાઈ ડવ, રાવત ગીગાભાઈ ડવ, સોનલબેન મનવીરભાઈ મીયાત્રા તેમજ ગીતાબેન ભગાભાઈ ડવની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જો આજે પોલીસ સમયસર ન પહોંતી હોત તો એરગન, તલવાર, ધારીયા, છરી સહિતના હથિયારોનો છૂટથી ઉપયોગ થયો હોત અને ધીંગાણામાં અનેક લોકો ઘાયલ થઈ ગયા હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ સમાચારને શેર કરો