Placeholder canvas

આપાગીગાના ઓટલે દિવ્ય દશેરા મહોત્સવનું આયોજન

આપાગીગાના ઓટલા દ્વારા માં ભગવતીના નવલા નોરતાના પ્રસંગે દિવ્યાતિદિવ્ય તેમજ ભવ્યાતિભવ્ય નવરાત્રી અનુષ્ઠાન તેમજ નવરાત્રી મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આસો સુદ 1 આજે સોમવારના પ્રથમ નોરતાથી આસો સુદ 10 તા.5-10 બુધવાર દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોર સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો ચાલુ હોય છે.

આ ધાર્મિક મહોત્સવની ઉજવણી તા.5 બુધવાર સવારે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. તેમજ હવન કાર્યની પુર્ણાહુતિ અને બિડુ હોમવાનો સમય બપોરના 4.15 કલાકનો રાખવામાં આવેલ છે. દશેરાના દિવસે સવારે 10 કલાકે માં ભગવતીના અન્નકોટ દર્શન અને ત્યારબાદ સમગ્ર અન્નકોટ પ્રસાદ માં ભગવતીના સ્વરૂપે દરેક દિકરીઓ તેમજ મહેમાનોને વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે દરેક ગરબી મંડળના સંચાલક ભાઇ તેમજ બહેનો, દરેક ગરબી મંડળની બાળાઓને, દરેક ધર્મપ્રેમી માતાઓ, બહેનો, ભાઇઓ, યુવાનો, બાળકોને તેમજ દરેક કાર્યકતા ભાઇઓ-બહેનોએ પણ પધારવા નિમંત્રણ અપાયું છે.

આ દિવ્ય મહોત્સવમાં દરેક ગરબી મંડળની બાળાઓને દશેરાના દિવસે સવારે 9 કલાકે શ્રી નરેન્દ્રબાપુ તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પધારેલા અન્ય સંતો મહંતોના હસ્તે લ્હાણી વિતરણ તેમજ રોકડ (ભેટ પુજા) પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. શ્રી આપાગીગાના ઓટલા દ્વારા છેલ્લા 10 વર્ષથી અવિરતપણે 24 કલાક સંપૂર્ણ વિનામૂલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. દશેરાએ માતાજીની આરાધના કરવામાં આવશે. જેમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ (1) એક ગરબી મંડળને રૂા.21111, દ્વિતીય ત્રણ ગરબી મંડળને રૂા.11000, તૃતિય ત્રણ ગરબી મંડળને રૂા.7100, ચતુર્થ પાંચ ગરબી મંડળને રૂા.5100, પંચમ સાત ગરબી મંડળને રૂા.3100, છઠ્ઠ અગિયાર ગરબીને 2100 પુરસ્કાર ઇનામ આપવામાં આવશે.

આ ઇનામ મેળવવા માટે તમામ ગરબી મંડળને પોતાનું રજીસ્ટ્રેશન સવારે 10 પહેલા કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવનાર દરેક દિકરીઓને લ્હાણી તેમજ રોકડ ભેટ પુજા આપવામાં આવશે. દશેરાએ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ગુજરાતના નામાંકિત લોકગાયક અમરભાઇ ગઢવી, લોકગાયિકા પુનમ ગોંડલીયા ઓરકેસ્ટ્રા સાથે માતાજીની આરાધના કરાવશે. દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવના મહાયજ્ઞ બાદ બીડુ હોમવાનો તેમજ પુર્ણાહુતિ દશેરાએ સાંજે 4.15 કલાકે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક જગ્યાઓના સંતો મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ સમાચારને શેર કરો