Placeholder canvas

શિવરાત્રીના મેળામાં આજથી આપાગીગાના ઓટલામાં અન્નક્ષેત્ર શરૂ…

ગિરનારની ગોદમાં રપ ફેબ્રુઆરી શુક્રવારથી 1 માર્ચ મંગળવાર સુધી મહામેળા સ્વરૂપે પરંપરાગત મહાશિવરાત્રી મહોત્સવ યોજાનાર છે. તે નિમિત્તે શ્રી આપાગીગાનો ઓટલો, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા મહંત હરિગિરિબાપુના સ્થાનક લાલસ્વામીની જગ્યામાં, ભગીરથવાડીની સામે, ભવનાથ જૂનાગઢ ખાતે સતત છઠ્ઠા વર્ષ સંપૂર્ણપણે સેવાના ભાવ સાથે નિ:શુલ્ક જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં મહાપ્રસાદનો પ્રારંભ આજે બુધવાર સાંજથી જ થઇ જશે જે તા. 28 સોમવાર રાત્રી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ તા. 1 મંગળવાર મહાશિવરાત્રીના દિવસે સંપૂર્ણ દિવસ સુધી અહોરાત્રી અને તા.2 બુધવાર સવાર સુધી ફરાળરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ રાખવામાં આવેલ છે. મહંત શ્રી નરેન્દ્રબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી)એ જણાવ્યું છે કે કોરોના કાળ બાદ પ્રથમ વખત સાર્વજનિક સ્વરૂપે મેળો યોજાઇ રહ્યો છે તેથી ભાવિકોમાં વિશેષ આનંદ છે. મેળાને મંજુરી આપી સુંદર આયોજન કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને જિલ્લા વહીવટી તંત્ર સૌ અભિનંદન પાત્ર છે. આ મહોત્સવ નિમિત્તે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા લાલ સ્વામી જગ્યામાં અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે જયાં દરરોજ સવારે 7 થી 10 વાગ્યા સુધી ચા-નાસ્તો પ્રસાદ અપાશે. સવારે 10-30 વાગ્યાથી રાત્રે 11 સુધી મહાપ્રસાદ પીરસવામાં આવશે.

ભાવિકોને દરરોજ શુધ્ધ ઘીની બે મીઠાઇઓ, ફરસાણ, દાળ-ભાત, બે શાક, રોટલી વગેરેનો મહાપ્રસાદ આપવામાં આવશે. તેમજ દરરોજ સાંજે દાળ-ભાતના વિકલ્પ સ્વરૂપે કઢી-ખીચડી તેમજ મીઠાઇ, ફરસાણ, રોટલા, રોટલીનો પણ મહાપ્રસાદમાં આપવામાં આવશે. તો મેળામાં આવનાર દરેક ભાઇઓ-બહેનો-વડીલો-માતાઓ-યુવાનો-બાળકો સૌને આપાગીગા તેમજ ભોલેનાથ અને માં ભગવતીનો મહાપ્રસાદ લેવા નિમંત્રણ આપ્યું છે. અઠવાડીયામાં લાખો લોકો દ્વારા આ મહાપ્રસાદનો લાભ લેશે તેવી ધારણાઓ રાખવામાં આવી રહી છે.

રાજકોટ શહેર, જુનાગઢ શહેર, જુનાગઢ જીલ્લો, અમરેલી, સાવરકુંડલા, મહુવા વગેરે વિસતારમાંથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના યુવાનો દ્વારા આ મેળાની અંદર સંપૂર્ણપણે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે તેમજ જુનાગઢ શ્યામધામ મધુરમના સર્વે ટ્રસ્ટીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રમાં દર વર્ષે જૂનાગઢના જાણીતા તબીબી ડો. ડી.પી.ચીખલીયાની શૈક્ષણિક સંસ્થાની બહેનો પણ સેવા આપે છે. સૌ ભાવિકો જૂનાગઢના મહાશિવરાત્રી મહોત્સવનો અને શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા સંચાલિત સાર્વજનીક અન્નક્ષેત્રે લાભ લે તેવી અપીલ સાથે વધુ માહિતી માટે નરેન્દ્રબાપુ (મો. 98242 10528) સંપર્ક કરવા જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો