રૂા.6 હજારની લાંચના ગુનામાં PGVCLનાં જુનિયર આસીસ્ટન્ટને એક વર્ષની સજા…

રાજકોટ: પડધરી પીજીવીસીએલમાં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવનાર કર્મચારી સામે વર્ષ 2006માં રૂા.6 હજારની લાંચ સ્વિકાર્યા અંગેનો ગુનો નોંધાયો હતો. આ કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ એસીબી કોર્ટનાં જજ ડી.એ.વોરાએ આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા અને અલગ-અલગ કલમ હેઠળ મળી કુલ રૂા.70 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ વર્ષ 2006માં પડધરી પીજીવીસીએલમાં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને જે-તે સમયે યુનિયનમાં હોદો ધરાવનાર મહેન્દ્ર નાનજી મારડીયા સામે લાઈનમેને એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપીએ નોકરીમાં બદલી કરાવવા માટે તેની પાસેથી લાંચ માંગી છે. બાદમાં એસીબીની ટીમે છટકુ ગોઠવી જુનિયર આસીસ્ટન્ટ મહેન્દ્ર મારડીયાને રૂા.6 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

આ કેસ ચાલી જતા બંને પક્ષની દલીલો તેમજ રેકર્ડ પર રજુ થયેલા દસ્તાવેજો તથા ફરિયાદ પક્ષ વતી સરકારી વકીલે કરેલી દલીલોને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ અને એસીબી કોર્ટના સ્પેશિયલ જજ ડી.એ.વોરાએ આરોપી મહેન્દ્ર નાનજી મારડીયાને તકસીરવાન ઠરાવી ભ્રષ્ટાચાર અધિનિયમનની કલમ 13(1)ઘ હેઠળ એક વર્ષની સજા અને રૂા.40 હજાર દંડ તેમજ કલમ 7માં 6 મહિનાની સજા અને રૂા.30 હજાર દંડ ભરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ દલીલો કરી હતી.

આ સમાચારને શેર કરો