રાજકોટ યાર્ડની હડતાલનો મામલો વધુ ગરમાયો: કિસાન સંઘ તથા વેપારી આગેવાનો વચ્ચે તડાફડી !
રાજકોટ માર્કેટ યાર્ડમાં ગત સપ્તાહથી ચાલતી હડતાલનો કોઈ અંત દેખાતો નથી. મડાગાંઠ દૂર થવાને બદલે નવી-નવી ઉભી થતી હોય તેમ આજે કિસાન સંઘ મેદાને આવ્યો હતો. યાર્ડમાં કિસાન સંઘ તથા વેપારી-દલાલ મંડળના સભ્યો વચ્ચે માથાકુટ થતા ગરમાવો સર્જાયો હતો. બન્ને જુથના આગેવાનો સામસામા આવી ગયા હતાં.
રાજકોટ યાર્ડમાં હડતાલનો આજે આઠમો દિવસ હતો જયારે કિસાન સંઘના આગેવાનો બેડી યાર્ડ પર પહોંચ્યા હતાં. હડતાલને કારણે કિસાનોને નુકશાન થઈ રહ્યું છે ત્યારે એલાન પાછુ ખેચવા માટે દબાણ કર્યુ હતું જયારે દલાલ મંડળના સભ્યો અને વેપારીઓ અકળાયા હતા. પોલીસે ધોકા માર્યા ત્યારે કયાં હતા? એટલું જ નહીં હડતાળના છેક આઠમા દિવસે એન્ટ્રી પાડવા વિશે પણ સવાલ કર્યો હતો. કિસાન સંઘ તથા વેપારી આગેવાનો વચ્ચે તડાફડી બોલી ગઈ હતી અને મામલો ગરમાયો હતો.
આઠ-આઠ દિવસથી હડતાલને કારણે માલ વેચવા માટે ખેડુતો હડીયાપટ્ટી કરી રહ્યા છે. તેઓના હિત વિચારીને હડતાલ ખત્મ કરવાનો માર્ગ કાઢવો જોઈએ. હવે કોઈ પણ સંજોગોમાં હડતાલ ખત્મ થવી જોઈએ તેવો સૂર કિસાન સંઘના આગેવાનોએ દર્શાવ્યો હતો. ત્યારે વેપારી-આગેવાનોએ એવુ સ્પષ્ટ કર્યુ હતું કે પોલીસ કેસ પાછા ખેંચાતા સુધી કામે નહીં ચડવા માટે વેપારીઓ અડગ છે. દરમ્યાન માર્કેટ યાર્ડમાં આજે સતત આઠમા દિવસે કામકાજ ખોરવાયેલા રહ્યા હતા.