Placeholder canvas

રાજકોટમાં 24 કલાકમાં 45ના મોત, આજે બપોર સુધીમાં 260 કેસ

રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યાની સાથોસાથ મોતનો આંક પણ ઉંચો જઇ રહ્યો છે. શહેરમાં 24 કલાકમાં 45 દર્દીના મોત નીપજ્યા છે. દર એક કલાકે સરેરાશ 2 દર્દીના મોત નીપજી રહ્યાં છે. જોકે, આ અંગે ડેથ ઓડિટ કમિટી આખરી નિર્ણય લેશે.

રાજકોટમાં આજે બપોર સુધીમાં 260 નવા કેસ નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પંકડ બુચ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના જ કોવિડ વિભાગમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ઝાખરીયા અને ચાર એસઆઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં 142 બેડ જ ખાલી
રાજકોટમાં કોરોનાના કેસ દરરોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે અને જે ગતિએ કેસ વધી રહ્યા છે તેને કારણે હોસ્પિટલ ભરાવા લાગી છે અને હવે સિવિલ હોય કે ખાનગી ક્યાંય પણ દર્દીઓને દાખલ કરવાની જગ્યા બાકી રહી નથી. શનિવાર સાંજની સ્થિતિએ રાજકોટ શહેર અને જિલ્લા સહિત કુલ 2588 બેડમાંથી માત્ર 142 ખાલી રહ્યાં છે. તેમાંથી પણ 41 બેડ ઈએસઆઈસીના છે જે હજુ કાર્યરત થઇ નથી.

જસદણ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નહીં
રાજકોટ શહેર નહીં ગ્રામ્યમાં પણ આવી જ હાલત છે. જસદણ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. જ્યારે ગોંડલ અને ધોરાજીમાં પણ 9 અને 15 જ બેડ વધ્યા છે. સિવિલમાં કોરોના વોર્ડ માટે અલગ-અલગ વિભાગો ખાલી કર્યા બાદ ગાયનેક વિભાગને પણ પદ્મકુંવરબામાં શિફ્ટ કરી ત્યાં 100 બેડ ઉમેરાશે અને તેનાથી હવે સિવિલ હોસ્પિટલ કોવિડમાં ફેરવાય ગઈ છે. સમરસ હોસ્ટેલમાં હજુ ઓક્સિજન લાઈન નખાઇ રહી છે અને રાત સુધીમાં બીજા 64 બેડ તૈયાર કરવા પ્રયત્ન છે.

આ સમાચારને શેર કરો