Placeholder canvas

રાજકોટમાંથી 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો પકડાયો

રાજકોટમાં અત્યારે કોઈ પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં તરેહ તરેહની વાનગીઓ પીરસતી હોટેલ કે રેસ્ટોરન્ટ ધમધમતા ન હોય…લોકોમાં બહારનું ભોજન લેવાના વધી રહેલા ટ્રેન્ડને કારણે હોટેલ વ્યવસાયમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. બીજી બાજુ અમુક નફાખોર તત્ત્વો દ્વારા હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી ધાબડીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યાનું પણ અત્યાર સુધીમાં અનેકવાર સામે આવી ચૂક્યું છે

ત્યારે ફરીવાર રાજકોટમાંથી 1600 કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો પકડાતાં સ્વાદશોખીનોમાં સનસનાટી મચી જવા પામી છે. વનસ્પતિ ઘીમાંથી તૈયાર કરવામાં આવેલો પનીરનો આ જથ્થો ભાવનગરના મહુવામાં આવેલી રામકૃષ્ણ ડેરીમાંથી આવ્યો હોવાનું પ્રારંભીક તપાસમાં ખુલ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખાએ બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલા પેટ્રોલપમ્પ નજીક આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો.

દરોડો પાડ્યા બાદ અહીંથી 1600 કિલો જેટલું અખાદ્ય પનીર મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ પછી જથ્થો મંગાવનાર વેપારીની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તેણે આ જથ્થો ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલા રામકૃષ્ણ ડેરીમાંથી ગતરાત્રે મંગાવ્યો હતો. આ પનીર તેણે 190 રૂપિયે કિલોની કિંમતે મંગાવ્યા બાદ અહીંની આઠ જેટલી નામાંકિત ડેરીઓમાં ઉંચી કિંમતે વેચવાનો હતો. આ ઉપરાંત અન્ય સ્થળે પણ તેના દ્વારા આ પનીરની સપ્લાય કરવામાં આવવાની હતી. પનીરનો આ જથ્થો એક મોટા ટેમ્પોમાં ભરીને રાજકોટ આવ્યો હોવાનું ખુલ્યું છે. હાલ ફૂડ શાખાએ પનીરનો જથ્થો સીઝ કરીને બિલ સહિતના પૂરાવાની તપાસ શરૂ કરી છે.જે પૂર્ણ થયા બાદ આ જથ્થો કઈ કઈ ડેરીમાં મોકલવાનો હતો તે સહિતની વિગતો ઉજાગર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પનીરયુક્ત ભોજન લેવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે અને લોકો પનીરથી બનેલી વાનગીઓ મન ભરીને ઝાપટી રહ્યા છે. આ દરોડામાં મહત્ત્વની વાત એ પણ છે કે અખાદ્ય પનીર શહેરની આઠ જેટલી નામાંકિત ડેરીઓમાં સપ્લાય કરવાની વાત સામે આવી રહી છે ત્યારે આ ડેરીઓ કેટલા સમયથી આ પનીરની ખરીદી કરી રહી હશે તે પણ મહત્ત્વનો સવાલ છે. આ ઉપરાંત અખાદ્ય પનીર મોકલનાર વેપારી સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવા નિર્દેશો હાલ મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો