Placeholder canvas

આજે સમગ્ર દેશવાસીઓ દેશભકિતના રંગે રંગાશે

આજે સમગ્ર દેશવાસીઓ દેશભકિતના રંગે રંગાશે.77માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે આજે વડાપ્રધાન મોદી 10મી વખત દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે.સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને સંબોધન કર્યું અને દેશની આર્થિક પરિસ્થિતિ અને આદિવાસીઓના વિકાસને લઈને વાત સંબોધી. તેમને કહ્યું કે સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર સામાન્ય માણસો નથી પણ એક જીવતો જાગતો મોટો જનસમુદાય છીએ, આપણે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સમુદાયનો એક ભાગ છીએ. જાતિ, પંથ, ધર્મ, વ્યવસાયની આપણી ઓળખાણ તો છે જ પરંતુ તેની ઉપર આપણી એક ઓળખ છે જે સૌથી મહત્વની છે અને એ છે, ભારત દેશના નાગરિક હોવાની. આપણને સહુને સમાન અધિકારો મળ્યા છે અને આપણા કર્તવ્યો પણ સમાન છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગુજરાતના લોકોને સ્વતંત્રતાદિવસની શુભેચ્છા પાઠવી.તેમણે જણાવ્યુ છે કે, ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા “મારી માટી મારો દેશ”નું અભિયાન ઉપાડ્યું છે. તેમણે 2014માં દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ દરેક નીતિ ઘડતરમાં – “નેશન ફર્સ્ટ”નો ભાવ અડગ રાખ્યો છે.

આ સમાચારને શેર કરો