જળ એ જ જીવન:આજે 22 માર્ચ એટલે “વિશ્વ જળ દિવસ” 

પાણી ને ફૂટી છે વાણી, મને વાપરો જાણી જાણી…, નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે…, જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે…

સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિન” દર વર્ષે 22 માર્ચનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.

સનાતન સંસ્કૃતિમાં તો  જળને દેવનું રૂપ આપવામાં આવ્યું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે. આ માટે ઇ. સ. 1993નાં વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 22 માર્ચનાં દિવસને “વિશ્વ જળ દિન” ઘોષિત કરેલ છે.

માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે, પરંતુ પાણી વગર બે થી ત્રણ દિવસ પણ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલું મહત્વનું છે તેની સાબિતી આપે છે. તેમ છતાં આટલા મહત્વપૂર્ણ પાણી પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખૂબ સાધારણ અને ગેરજવાબદારી ભરેલું છે.

ગુજરાત અને થાર જેવા ધણાં વિસ્તારોમાં આજે પણ મહિલાઓનાં જીવનનો મહત્વપૂર્ણ ભાગ માત્ર પાણીની સમસ્યા હલ કરતા જ નીકળી જાય છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા 50 વર્ષમાં પાણી માટે અનેક હત્યાકાંડો થયા છે. પાણીનું વ્યવસ્થિત આયોજન અને વિતરણ વ્યવસ્થા ખૂબ જરૂરી છે. પર્યાવરણની જાળવણી, વિકાસ, સામાજિક અને આર્થિક વિકાસ, ગરીબી ધટાડા જેવી સમસ્યાઓનાં ઉકેલ માટે પાણી ખૂબ ઉપયોગી માધ્યમ છે.

વિશ્વમાં સતત વધી રહેલી વસતી માટે ખાઘ ઉત્પાદન, ઉર્જા, ઔઘોગિક અને સ્થાનિક ઉપયોગ માટે પાણીની ઉપયોગિતા સતત વધી રહી છે. આપણી પૃથ્વી પર પણ 77% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને ‘Blue Planet’ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર જે 71 % પાણી છે. તેમાંથી 97.2% પાણી દરિયામાં આવેલું છે. જે પીવા યોગ્ય નથી. આ ધરતી પર 2.15% પાણી બરફરૂપે રહેલ છે. 0.61% પાણી ભૂગર્ભમાં રહેલ છે. પૃથ્વી પર આવેલ જળાશયોમાં 0.009% પીવાલાયક પાણી રહેલ છે. 0.008% આંતરિક સમુદ્રમાં, માટીમાં ભેજના સ્વરૂપે 0.005%,  વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% તથા નદીઓમાં 0.001% પાણી આવેલ છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીનાં જથ્થામાંથી 97% પાણી ખારું છે જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે. જાણકારો તો માને છે કે

હવે જો વિશ્વયુદ્ધ થશે તો તે પાણી માટે થશે. જો અત્યારે પાણી બચાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાય શકે છે. માત્ર પાણી નો બગાડ અટકાવવો જ જરૂરી નથી પરંતુ સાથે સાથે તેના સંગ્રહની વ્યવસ્થા કરવી એટલી જ મહત્વની છે.  જળ એ જ જીવન  પાણી ને ફૂટી છે વાણી, મને વાપરો જાણી જાણી  નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે  જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે 
-મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો