Placeholder canvas

જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે મનામણાં થશે?: પી.ટી.જાડેજાએ કહ્યું:’નહીં માને તો ઉપવાસ પર ઉતરીશ’

વિધાનસભાની ચૂંટણી પૂર્વે થી જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને રિબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે તકરારો ચાલી રહી છે. જો કે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ તકરારો ચાલુ જ રહેતા હવે ક્ષત્રિય સમાજ આગળ આવી રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના બન્ને આગેવાનોનો વિવાદ વધુ ન વકરે તે માટે સમાધાનના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

ક્ષત્રિય સમાજના આગેવાન અને આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના ટ્રસ્ટી પી.ટી.જાડેજા એ પોતાનો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ કર્યો છે. આ વીડિયોમાં તેમને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ક્ષત્રિય સમાજના બે આગેવાનો વચ્ચે ચાલતી તકરારોનો અંત લાવવા આ વેર આગળ ન વધે તે માટે પ્રયાસની વાત કરી છે. તેમને વીડિયોમાં જણાવ્યું હતું કે બન્ને આગેવાન મારા 40 વર્ષ જુના મિત્રો છે, હું સમાધાન માટે આગળ વધી રહ્યો છું રાજકોટ ગુજરાત અને દેશમાં રહેતા અન્ય ક્ષત્રિય સમાજમાં ખોટો મેસેજ જઇ રહ્યો છે માટે હું સમાધાન માટે આગળ વધી રહ્યો છું. જરૂર પડશે તો ઉપવાસ આંદોલન પણ કરીશ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા સમાજનું પતન થવા દેવાનું નથી. હોળીનું નાળિયેર હું બનીશ અને સમાધાન માટે આગળ વધીશ. હું છેલ્લા બે દિવસથી સૂતો નથી અને સમાજને જગાડવા માંગુ છું. હું યુવાનોને આહવાન કરું છું. બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન થવું જોઈએ. હું યુવાનોને 24 કલાકનો સમય આપું છું યુવાનોને સાથે લઇ સમાધાન કરીશ નહિ માને ત્યાં સુધી ગોંડલ અને રિબડામાં ઉપવાસ આંદોલન પણ કરવાની મારી તૈયારી છે. અનિરૂધ્ધસિંહ અને જયરાજસિંહ બન્ને મને મોટા ભાઈ માને છે પણ સમાધાન માટે હું બન્નેના પગે પડવા તૈયાર છું.

આ સમાચારને શેર કરો