Placeholder canvas

સૌરાષ્ટ્રનો વધુ એક ખિલાડી રમશે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં

આઇપીએલ ઓક્શનમાં પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમમાં સમાવેશ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટેના ઓક્શનની આજે શરૂઆત થઈ છે. જે ઓક્શનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા બે ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રમશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટ લખનઉ સુપર જાયન્ટની ટીમમાંથી રમશે. જ્યારે કે આઇપીએલમાં પ્રથમ વખત જેમની ખરીદી થઈ છે તેવા સમર્થ વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે.

કોચીમાં ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા છે. જેમાં જયદેવ ઉનડકટને ફ્રેન્ચાઇસી દ્વારા તેના બેઝ પ્રાઇઝમાં એટલે કે રૂપિયા 50 લાખમા લખનઉ સુપર જાયન્ટ દ્વારા સમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. દિલ્હી કેપિટલ તરફથી રમતા તેણે IPL ની દુનિયામાં પોતાનું પ્રથમ પગલું ભર્યું હતું. ત્યારથી લઈને આજ દિવસ સુધી તે જુદી જુદી પાંચ ટીમના સભ્ય બની ચૂક્યા છે. લખનઉ સિવાય જયદેવ કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝીંગ પુણે ટીમના પણ સભ્ય રહી ચૂક્યા છે. જયદેવ ઉનડકટે IPLમાં 91 મેચની અંદર 91 વિકેટ પ્રાપ્ત કરી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા તેમજ સૌરાષ્ટ્રના રણજી પ્લેયર સમર્થ વ્યાસને રૂપિયા 20 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં સમાવવામાં આવ્યો છે. સમર્થ વ્યાસ વર્ષ 2015થી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલો છે. અત્યાર સુધી રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી તેમજ મુસ્તાક અલી ટી-20 ટ્રોફીમાં તેમનું યોગદાન સારું રહ્યું છે. ખાસ કરીને ટી-20 મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 150 થી પણ ઉપરનો છે. તો સાથોસાથ તે ઓલ્ડ રાઉન્ડર પ્લેયર પણ છે.

આ સમાચારને શેર કરો