skip to content

વાંકાનેરમાં પવનચક્કીઓના લીધે વન્યપ્રાણીઓ બાદ શું મનુષ્યોને પણ સ્થળાંતર કરવું પડશે?

સરકારી નીતિઓનો ખુલ્લેઆમ ઉલ્લંઘન છતાં તંત્રનું ભેદી મૌન!

વાંકાનેર પંથકમાંથી દીપડાઓ, નાર, ચિંકારા, સસલા, ઝરખ તેમજ શેડ્યુલ-૧ તેમજ અન્ય જંગલી પ્રાણીઓ તેમજ પક્ષીઓના સ્થળાંતર બાદ માનવ જીવન માટે પણ પવનચક્કીઓનો ઘોંઘાટ ખતરારૂપ : પવનચક્કીના ધ્વનિ પ્રદૂષણ ને કારણે અમરસર ગામના રહેવાસીઓ ત્રાહિમામ : ડેપ્યુટી કલેકટરને લેખિત ફરિયાદ કરી….

By Hardevsinh Zala વાંકાનેર : વાંકાનેર પંથકમાં છેલ્લા ઘણા સમયથી પવનચક્કીઓનું નિર્માણ કાર્ય ચાલુ થયેલ છે. જેમાં પવનચક્કીઓ ઊભી કરવામાં સરકારી નીતિ નિયમ અને સરકાર સાથે કરેલ એમઓયુના કરારનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં વાંકાનેર સરકારી તંત્રનાં તેના પર આશીર્વાદ હોય કોઈ પ્રકારના પગલાં ભરવામાં નથી આવી રહ્યા. વર્ષ 2016માં મારુતિ વિન્ડફાર્મ કંપનીને પવન ચક્કી નિર્માણ કરવા માટે વાંકાનેરની વન વિસ્તારને અનુરૂપ સરકારી ખરાબાની જગ્યા ન ફાળવવા માટે જાગૃત લોકો દ્વારા મોરબી કલેકટરને લેખિત અરજી આપવામાં આવેલ અને આશંકા જણાવવામાં આવેલ કે આ જગ્યા પર પવનચક્કી ઊભી થશે તો જંગલી પશુ-પક્ષી અને શિડયુલ-૧ ના વસતાં પ્રાણીઓ ના માર્ગને અને તેના રહેઠાણને ગંભીર અસર થશે અને તેઓ પોતાનું કુદરતી રહેઠાણ છોડવાં મજબૂર બનશે

જે અરજી મુજબ કલેકટર દ્વારા વાંકાનેર મામલતદારને આ અંગેનો લેખિત હુકમ કરી અહેવાલ આપવા જણાવેલ પરંતુ વાંકાનેર તંત્ર દ્વારા મારુતિ કંપનીના કર્મચારીઓ સાથે મીલીભગત કરી સાચા ખોટા પંચરોજ કામ બતાવી જમીન ફાળવણી માટેના અભિપ્રાય આપેલ જેના ફળસ્વરૂપ આજે વાંકાનેર વિસ્તારમાં રહેતાં જંગલી જાનવરો/ પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારો તરફ નિકળવા મંડ્યા છે જેમના ઉદાહરણો કેટલાક સામે આવ્યા છે તાજેતરમાં જ એક ઝરખ ગાયત્રી મંદિર પાસે આવી ચડ્યું હતું તેમજ થોડા સમય પૂર્વે બાઉન્ડ્રી પાસે એક દીપડો હાઈવે ઉપર વાહનની ઝપટમાં આવી જવાથી મર્યો હતો તેમજ થોડા સમય પહેલાં મેસરીયા રોડ પર દીપડાની એક જોડી જોવા મળી હતી. આમ આ પવનચક્કીઓના કારણે જંગલી જાનવરો પોતાની વસાહત છોડીને નીકળી રહ્યા છે અને આ પવનચક્કી ના કારણે પર્યાવરણ તેમજ જીવ જંતુ અને પશુ-પંખીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે.

આ ઉપરાંત તાજેતરમાં વાંકાનેર ચંદ્રપુર ગામના સેરસિયા જલાલભાઈ અલીભાઈ એ કલેકટરને લેખિત ફરિયાદ કરેલ છે કે ચંદ્રપુર ગામના ખરાબામાં તથા ગૌચરની સર્વે નંબર 319 પર પવનચક્કીઓ દ્વારા એપ્રોચ રોડ અને વિજપોલોનુ બાંધકામ તેમજ સામાજિક વનીકરણ વિસ્તારમાં ગ્રામ પંચાયતની કોઇ પણ પ્રકારની મંજૂરી વિના બનાવવામાં આવેલ રસ્તા અને અન્ય બાંધકામ હટાવવા તે ઉપરાંત આ વિસ્તારમાં આવેલ વૃક્ષોને આડેધડ કાપવામાં આવી રહ્યા છે તેના પર પગલાં લેવા. આ વિસ્તાર રામપરા ઇકો સેન્સેટીવ ઝોનની નજીકમાં આવતો હોય રામપરા વિસ્તારના જંગલી પ્રાણીઓ માટે ખતરારૂપ હોઈ કંપનીનો ભાડા કરાર રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

મારુતિ વિન્ડફાર્મ કંપનીએ સીંધાવદર વિસ્તારમાં આપેલી જગ્યામાં પવનચક્કીઓ થી પાવર સ્ટેશન સુધી હેવી વીજ લાઈન પોલ ઉભા કરવામાં પણ સરકારી નીતિનું ઉલ્લંઘન કરેલ છે ત્યાં નદી-નાળામાં આવા વીજપોલ ઊભા કરી સરકારી તંત્ર સામે પડકાર ફેંક્યો છે જેમાં ફરિયાદ થતાં વાંકાનેર સ્થાનિક તંત્ર દ્વારા કંપનીને વિજપોલ હટાવવા માટે બે વખત નોટીસ આપવા છતાં કંપનીના કોન્ટ્રાક્ટરો તે નોટિસને ઘોળીને પી ગયા અને આજ દિન સુધી તે વીજપોલ ન હટાવી સરકાર સાથે કરેલ શરતોનું ઉલ્લંઘન કરેલ હોવા છતાં વાંકાનેર સેવાસદનમાં બેઠેલા અમુક કંપનીના મળતિયાઓ દ્વારા અધિકારીઓને પણ ઉંધા ચશ્મા પહેરાવી પવનચક્કીઓના કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે.

પવનચક્કી ઊભી કરવા માટે સરકારી નીતિઓનું કે શરતોને ધ્યાનમાં ન લઈ કોન્ટ્રાક્ટરો બેફામ વર્તન કરી રહ્યા છે ત્યારે વાંકાનેરના અમરસરના ગ્રામજનો પવનચક્કીથી એટલાં પરેશાન થઇ ગયા છે કે તેઓના જણાવ્યા મુજબ હવે તો ગ્રામજનોએ સામૂહિક હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. અમરસરનાં ગ્રામજનોએ વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ આપેલ છે કે અમરસર વિસ્તારમાં પવનચક્કીઓ ગામના રહેણાંક વિસ્તારની નજીકમાં નિર્માણ કરવામાં આવેલ છે. આ પવનચક્કીઓ શરૂ થતાં વાતાવરણમાં ઘોંઘાટ (અવાજનું પ્રદુષણ) થઈ રહ્યો છે.

રાત્રિના સમયમાં પવનચક્કીઓનો અવાજ ભયંકર લાગે છે માનવ, પશુ તેમજ પંખીઓ માટે રાત્રીના સમયે આરામ કરવો કે ઊંઘ કરવી મુશ્કેલ બની છે આ પરિસ્થિતિ ટૂંકાગાળાની નથી કે સહન કરી શકાય. કાયમી ઘોંઘાટથી આગામી સમયમાં અહીં વસવાટ માટે અનુકુળ ન રહે તેવી અનુભૂતિ હાલ તેઓ કરી રહ્યા છે. રાત દિવસ ૨૪ કલાક પવનચક્કીનો ઘોંઘાટ દિલોદિમાગ ને હેરાન પરેશાન કરી રહ્યો છે ઉપરાંત સતત માનસિક તાણ ગ્રામજનો કરી રહ્યા હોય આ બાબતે તાત્કાલિક ઘટતું કરવામાં ન આવે તો આગામી સમયમાં પવનચક્કીઓ વિરૂધ્ધ હાઇકોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીઓ ગ્રામજનો કરી રહયા હોવાનું જણાવ્યું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો