Placeholder canvas

CM રૂપાણીનો ખેડૂતોને સિંચાઇના પાણી મુદ્દે શુ નિર્ણય કર્યો ? જાણો

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી નિર્ણયથી ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે. પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા. ૩૦ સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા.૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું છે.

જળસંપત્તિ સચિવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ૧૪૧ પૈકી ૩૬ ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના ૭૯ ડેમોમાંથી ૧,૪૮,૨૦૦ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં ર૩ ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-૧, સસોઇ, પન્ના, આજી-૪, ફૂલઝર-૧, ફૂલઝર-ર, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-૩, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ ૧૩ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે.

જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-ર, આજી-૩ અને ન્યારી-ર ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે. મોરબી જિલ્લાના બ્રાહ્મણી-૧, ડેમી-૧ ઘોડાધ્રોઇ અને ડેમી-ર ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

આમ, સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ઉભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

આ સમાચારને શેર કરો