skip to content

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ સાચા કેમ આપતું નથી? ખેડૂતે આપ્યા પુરાવા…

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડનું વહીવટી તંત્ર તરફથી ખેડૂતોને દરેક જણસીના રોજે રોજના ઊંચા ભાવ, નીચા ભાવ અને આવકની માહિતી મળે એ હેતુથી વાંકાનેર એપીએમસીએ એક વોટસએપ ગ્રુપ બનાવેલ છે. જેમાં વાંકાનેરના મોટા ભાગના પત્રકારો પણ જોડાયેલા છે. આ ગ્રુપમાં વાંકાનેર એપીએમસીના વહીવટીતંત્ર દ્વારા જાહેર રજા સિવાય નિયમિત પણે જણસીના ઊંચા ભાવ, નીચા ભાવ અને આવકની માહિતી આપવામાં આવે છે. એ માહિતી કપ્તાન ખેડૂતો સુધી પહોંચાડવા “આજના બજાર ભાવ” માં દરરોજ નિયમિતપણે આપે છે. જે બજારભાવ મોટી સંખ્યામાં ખેડૂતો જોતા હોય છે.

આ બજાર ભાવમાં છેલ્લા દસેક દિવસથી વિસંગતતા સામે આવી રહી છે, કપ્તાનના કેટલાક ખેડૂત વાચકોએ આ વિસંગતતા નો પર્દાફાસ કર્યો છે. વાંકાનેરના જાગૃત ખેડૂતે 18/10/2021ના યાર્ડના બજાર ભાવમાં તલીના નીચામાં નીચા ભાવ 1700 હતા જ્યારે એ દિવસે એ ખેડૂતની તલી અવ્વલ ટ્રેડર્સમાં 1500 રૂપિયામાં વેચાણી હોવાનું બીલ અમને મોકલ્યુ હતું. એ જ રીતે ગઈકાલે એટલેકે તારીખ 22 ના રોજ વાંકાનેર એપીએમસીના કપાસના નીચામાં નીચા ભાવ 950 રૂપિયા હતો ત્યારે એક ખેડૂતનો કપાસ કીશાન ટ્રેડર્સમાં 800 રૂપિયામાં વેચાયાનું બિલ અમને મોકલ્યું છે. આવા બીજા પણ કેટલાક જાગૃત ખેડુતોએ અમને વિસંગતતા પુરવાર કરતા બિલ મોકલ્યા છે

આ તમામ બિલ જોતા એવું સ્પષ્ટ લાગે છે કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નીચામાં નીચા ભાવ જો વધુ પડતાં નીચા હોય તો સાચા ભાવ આપતું નથી, જ્યારે ઊંચામાં ઊંચા ભાવ યાર્ડમાં આવેલા મોટા જથ્થામાંથી માત્ર બે-ચાર મળના જ ભાવ ખૂબ ઊંચા હોય તો તે ઊંચા ભાવ આપે છે. તેમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવતો નથી ત્યારે નીચા ભાવ ખૂબ નીચા હોય ત્યારે તેમાં વધારો કરવામાં આવે છે. તેવો ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપો છે. ખેડૂતોએ તો અમને એવી એવી કોમેન્ટ પણ લખીને મોકલી છે. ( કદાચ એવો ના મનમાં હશે કે આ વાત મારા અને કપ્તાન વચ્ચે જ રહેવાની છે એટલે લખ્યું હશે) જે અમે એક જવાબદાર વ્યક્તિ અને પત્રકાર તરીકે આહી લખી શકતા નથી.

છેલ્લા દસેક દિવસથી યાર્ડના નીચા ભાવમાં વિસંગતતાના પુરાવા આપતા બિલો કપ્તાનના વોટ્સએપ પર ખેડૂતો દ્રારા મોકલવાનો મારો ચાલુ થતા ગઈ કાલે એટલેકે તારીખ 22/10/2021 ના રોજ એપીએમસીના ચેરમેન શકીલ પીરજાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી અને સેક્રેટરી અબ્દુલભાઇ ચૌધરીને અમોએ એ દિવસના યાર્ડ ના ભાવ અને ખેડૂતોએ મોકલેલા બીલ ને રેડલાઇન કરીને મોકલ્યા અને આ વિસંગતતાની તેમની પાસે માહિતી માંગી હતી પરંતુ તેમના તરફથી ગઈકાલે કોઈ જવાબ મળ્યો નહીં ત્યારે આજે ફરી પાછા બીજા બિલ્લા આધારો આ ત્રણે જવાબદાર વ્યક્તિઓને મોકલ્યા ત્યારે સવારના એપીએમસીના વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી અમારો સંપર્ક કરીને આ બાબતની ચોખવટ કરી હતી કે નીચા ભાવની એવરેજ કાઢીને આપવામાં આવે છે. બાકી નીચા ભાવ છુપાવવાનું કોઈ હેતું નથી, ત્યારે અમોએ તેવોને જણાવ્યું હતું કે જો નીચા ભાવની એવરેજ કાઢવામાં આવતી હોય તો ઊંચા ભાવની એવરેજ કેમ કાઢવામાં નથી આવતી? અને એપીએમસીના ભાવમાં સૌથી નીચા ભાવ એવું સ્પષ્ટ લખેલું છે આમ છતાં એવરેજ શા માટે કાઢવામાં આવે છે? ત્યારે અશ્વિનભાઈ મેઘાણીએ જણાવ્યું હતુ કે હું આ બાબતને સેક્રેટરીનું અને અમારા ચેરમેન નું ધ્યાન દોરીશ…

જ્યારે મોડેથી એપીએમસીના સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરીએ કપ્તાનમાં ફોન કર્યો હતો અને તેઓએ પણ સઘળી માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે જો કપાસના અત્યારના નીચામાં નીચા ભાવ આપ્યે તો તેમની નેગેટિવ અસર ખેડૂતો પર થાય…! કેમ કે હાલમાં પલળેલ પેસી ખૂબ આવી રહી છે અને તેમના ભાવ એકદમ નીચા હોય છે. જેથી તેમના ભાવ અમો નથી આપતા પણ ખરેખર કપાસ છે તેમાં રહેલા નીચા ભાવ આપીએ છીએ. આ ઉપરાંત પણ ચૌધરીએ એપીએમસી બાબતે ઘણી બધી વાતો કરી અને નીચા ભાવ નહિ બતાવવાનો કોઈ હેતું નથી તેવું તેઓએ અંતમાં જણાવ્યું હતું.

એપીએમસીના સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરીએ અમારી સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદાએ મને આ બાબતની જાણ કરી હતી અને કપ્તાન સાથે વાત કરવાની સૂચના પણ આપી હતી, તેમજ જો કપાસના નીચા ભાવ હોય તો તેમાં પેશીના ભાવ અથવા પર પલળેલ એવું લખવું અને જે નીચા ભાવ હોય એજ આપવાની સુચના આપી છે. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે હવે પછી કોઈ પણ જણસીના જો તે અતિ ખરાબ માલ હોય અને નીચા ભાવ માં વેચાયો હોય તો તે આપવામાં આવશે અને પેશીના ભાવ અથવા કાંધાના ભાવ… વિગેરે લખવામાં આપશે તેવી સ્પષ્ટતા કરી હતી. આમ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન, સેક્રેટરી અને ચેરમેને આ બાબતને પોઝિટિવ રીતે લઈને, સુધારો કરવાનું કહ્યું છે….

આ સમાચારને શેર કરો