ટંકારાના ખેડૂતોને 8 કલાક નિયમિત વીજ પુરવઠો ન મળે તો આંદોલન

અવારનવાર વિજકાપ મામલે સરપંચો અને ખેડૂતો આકરાપાણીએ, પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવી એલટીમેટમ આપ્યું રાજકોટ મોરબી થી અધિકારીઓ દોડી આવ્યા અનેક ફરિયાદોનો ધોધ વછુટયો

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારા પંથકમાં હાલ અણીના સમયે જ સતત વિજકાપથી ખેડૂતો મુશ્કેલી મુકાઈ ગયા છે. ખેતીવાડીના ફીડરમાં સતત ફોલ્ટથી અનિયમિત વીજ પુરવઠો મળતા ખેડૂતોને ખેતીમાં નુકશની વેઠવાની નોબત આવી છે. આથી અવારનવાર વિજકાપ મામલે સરપંચો અને ખેડૂતો આકરાપાણીએ થઈ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને 8 કલાક નિયમિત વીજ પુરવઠો ન મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ટંકારાના નાના રમાપર, કલ્યાણપર, નાના ખીજડિયા, મિતાણા સહિતના ગામોના સરપંચ અને ખેડૂતોએ રાજકીય પક્ષોના નેતાઓ ટંકારા પીજીવીસીએલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ટંકારા સબ ડિવિઝન પીજીવીસીએલના તમામ ખેતીવાડી ફીડરમાં ત્રીપેઇઝ પાવર અનિયમિત આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને દરરોજ દસ કલાકનો વીજ પુરવઠો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પણ આજદિન સુધી ખેડૂતોને કોઈ દિવસ દસ કલાકનો વીજ પુરવઠો મળ્યો જ નથી. જો કે દસ નહિ પણ ખેડૂતોને આઠ કલાકનો પાવર મળે તો પણ ઘણું છે.

પરંતુ ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો મળતો જ નથી. ખેતીવાડી ફીડરોમાં ટેકનીકલ ખામીને લીધે ખેડૂતોને દરરોજ માત્ર બે કે ત્રણ કલાક જ પાવર મળે છે. ત્યારે હાલ ખેતરોમાં પાક માટે કલાકો સુધી પિયત કરવાનું હોય બે કે ત્રણ કલકના પાવરમાં પિયત થઈ શકતું નથી. એથી ખેડૂતોને નુકશાન થાય છે. જો કે ઉધોગોને 24 કલાક વીજળી મળી રહે છે. તો ખેડૂતોને અન્યાય શુ કામ ? તેથી ટંકારા તાલુકાના તમામ ખેતીવાડી ફીડરોમાં 8 કલાકનો પાવર આપવાની માંગ કરી છે. જો 8 કલાક પાવર નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

રજુઆત અંતે મામલો ભારે ગરમાવો પકડી લેતા જીઈબી કચેરી મોરબીના બાવરવા અને રાજકોટથી ડોબરીયાને ટંકારા આવવાની ફરજ પડી હતી ટંકારા પોલીસ કાફલો પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો અને આગેવાનો અને ખેડુતોની માંગણી સાંભળી તેની નિરાકરણની ખાત્રી આપી હતી.

આ સમાચારને શેર કરો