વાંકાનેર: વેસ્ટ માટી ભરવામાં વાંધો પડતા, થઈ ગઈ મારામારી.
વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપરના કારખાનાની વેસ્ટ માટી ભરવા મામલે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને બન્ને જૂથો એકબીજા સામે આવી જઈને હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. બાદમાં બન્ને પક્ષોએ સામ સામી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી, વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રહેતા જીવણભાઇ રાણાભાઇ વિજવાડીયા (ઉ.વ. ૪૨) એ આરોપીઓ ધારાભાઇ રબારી, મયુરભાઇ રમણીકભાઇ, બાબુભાઇ જેમાભાઇ, ધારાની ફુઇનો દીકરો, ધારાના ફૃવા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૬ના રોજ ફરીયાદીના પિતા જીવણભાઇએ બુરોકોન કારખાના પાછળ ખાણમાંથી કારખાનાનો વેસ્ટ માલ (માટી) રગડો લોડર તથા જે.સી.બી.થી બહાર કઢાવી ઢગલો કર્યો હતો. આ માટી આરોપીએ પોતાના વાહનો આઇવા ડમ્પરમાં ભરાવી ફેવરીટ કારખાના પાસે ઢગલો કરી દીધો હતો. આથી, ફરીયાદીના પિતાજીએ પોતાની વેસ્ટ માટી (રગડો) પરત ભરવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદીના પિતાને ગાળો આપી તેમને તથા સાહેદોને શરીરે આડેધડ લોખંડનો પાઇપ, લાકડી, ધોકા વતી માર મારી ઇજા, મુંઢ ઇજા, ફેકચર તેમજ ફરીયાદીના પિતાને ગંભીર ઇજા કરી હતી.
જ્યારે સમાપક્ષે ધારાભાઇ ડાયાભાઇ ટમારીયા (ઉ.વ. ૪૦) એ આરોપી જીવણ રાણાભાઇ, હંસરાજભાઇ જીવણભાઇ, વેઇજીભાઇ રામસીંગભાઇ, જગદિશભાઇ રામસીંગ, વીપુલ ધારશી, સંજય જેમુ, વિનોદભાઇ રાકશીભાઇ, ભુપતભાઇ રાકશીભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ કારખાનાની વેસ્ટ માટી ભરવા બાબતે એકદમ ઉશ્કેરાટમાં આવી ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે માથાના ભાગે મારી ઇજા કરી તેમજ જમણા હાથની આગણીમા ફેકચર જેવી ઇજા કરી હતી અને સાહેદ શેલૈષભાઇ જીવણભાઇને માથાના ભાગે લોખંડના પાઇપ વડે તેમજ સાહેદ મેહુલભાઇ અણદાભાઇને પથ્થરનો છૂટો ઘા મારી માથાના ભાગે ઇજા કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે બન્નેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.