વાંકાનેર: 5 વર્ષના પ્રિન્સની દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી લાશ મળી

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા અપરણ કરાયેલા પાંચ વર્ષના માસુમ બાળકની આજે આ જગ્યાની પાછળના કુવામાંથી દોરડું અને પાઇપ સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. આ ઘટનાને પગલે ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર બાઉન્ડરી નજીક આવેલ મહંત દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા એક પાંચ વર્ષના માસુમ બાળક પ્રિન્સનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવ બાદ વાંકાનેર તાલુકા પોલીસ તથા એલસીબી અને એસઓજીએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. પણ અપહરણ કરાયેલા બાળકની કોઈ કડી મળી ન હતી. દરમ્યાન આજે જે જગ્યાએથી બાળકનું અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના કુવામાંથી આ અપહૃત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જે અંગે સ્થાનિક ગ્રામજનોએ જાણ કરતા ડી.વાય.એસ.પી. બન્નો જોશી, એલસીબી અને એસઓજી તથા વાંકાનેર તાલુકા પીએસઆઇ શકિતસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કુવામાંથી બાળકની લાશ બહાર કાઢીને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

વધુમાં જણવા મળતી વિગતો મુજબ આ બાળકની લાશમાં દોરડું બાંધેલું હતું અને તેના પાછળના ભાગે પાઇપ બાંધેલો હતો.જેથી કોઈએ બાળકની હત્યા કરીને તેની લાશને આ રીતે બાંધીને કૂવામાં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકાઓ ઉઠી છે. હાલ પોલીસ ફોરેન્સિક પીએમ બાદ આ બનાવનું સાચું કારણ જાણવા મળશે એવુ કહેવુ છે. જોકે અપહરણ કરાયેલા બાળકની લાશ મળી આવતા ઘેરું રહસ્ય સર્જાયું છે. હાલ પોલીસે હતભાગી બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો