રાજકોટની ગોકુલ હોસ્પિટલના બે ડોક્ટરો કોરોનાની ઝપટે ચડ્યા

રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના બે ડોક્ટરો કોરોનાની ઝપટે ચડ્યા છે. ડો.જીગરસિંહ જાડેજા અને ડો. અંકિત માંકડીયા ગત મંગળવારે વેરાવળ OPD માટે ગયા હતા, ત્યાંથી સંક્રમિત થયાનું અનુમાન છે.

રાજકોટમાં છેલ્લા બે અઠવાડિયાથી ડોકટર્સના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે રવિવારે વધુ બે ડોકટરના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબી જગતમાં ચિંતા વ્યાપી છે. ગોકુલ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.અંકિત માંકડીયા અને ન્યુરો સર્જન ડો. જીગરસિંહ જાડેજા કોરોનાગ્રસ્ત થયા છે. બન્ને ડોકટર્સ ગત મંગળવારે ઓપીડી માટે વેરાવળ ખાતે ગયા હતા. જ્યાં ડો. અંકિત માંકડીયાએ ૩૫ દર્દીઓનું નિદાન કર્યું હતું. કોઈ દર્દીમાંથી કોરોનાનું સંક્રમણ થયાનું હાલ અનુમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળથી ઓપીડી પતાવ્યા બાદ બન્ને ડોકટર રાજકોટ આવ્યા હતા પરંતુ ગોકુલ હોસ્પિટલએ ગયા નથી. તેમ છતાં ગોકુલ હોસ્પિટલના તમામ સ્ટાફનું આવતીકાલે હેલ્થ ચેક અપ કરાશે. કોરોનાગ્રસ્ત બન્ને ડોકટર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમાચારને શેર કરો