રાજકોટ: આજી નદી પર બનેલા બ્રિજનું કૉંગ્રેસના નેતાઓએ લોકાર્પણ કરી નાખ્યું

રાજકોટના મેયરના કહેવા પ્રમાણે કામ બાકી હોવાથી હજુ સુધી બ્રિજનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું.

રાજકોટ : હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. બીજી તરફ લોકાર્પણ અને વાહવાહી લૂંટવામા ખૂદ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ લોકોના જીવની પરવાહ કર્યા વગર બ્રિજનું લોકાર્પણ કરતા હોઈ તેવા વીડિયો સામે આવ્યા છે.

રાજકોટના રામનાથ પરા પાસે આજી નદીની ઉપર તાજેતરમા નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ આ વિસ્તારના કોર્પોરેટર તેમજ રાજકોટના વિરોધ પક્ષના નેતાએ કરી નાખ્યું હતું.આ સમયે મોટી સંખ્યામા સ્થાનિકો એકઠા થયા હતા. આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયું હોય તેમજ લોકોએ માસ્ક ન પહેર્યાંનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યુ હતું કે, સતાપક્ષ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ ન કરવામાં આવતા સ્થાનિક કોર્પોરેટર તરીકે લોકોને સાથે રાખી મેં લોકોર્પણ કર્યુ છે. બીજી તરફ રાજકોટના મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, બ્રિજનું કામ પૂર્ણ ન થયું હોવાથી હજુ સુધી લોકાર્પણ કરવામાં નથી આવ્યું.

ઉલ્લેખનીય છે કે આગામી ગણતરીના મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે નેતાઓ આગામી ગણતરીના મહિનાઓમાં અઢળક લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજશે. જેના કારણે તેઓ મત માગવા સમયે લોકો પાસે જઈ શકે. તેમ જ લોકોને તેમના વિસ્તારમાં કયા કયા કામો તેમના દ્વારા કરાવવામાં આવ્યા છે તે જણાવી શકે. આવું કરીને તેઓ લોકો પાસે મદદ માંગી ફરી વખત પોતાને જ મત આપે તે પ્રકારની વિનંતી કરી શકે છે.

જોકે, કોરોના મહામારી વચ્ચે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા લોકોની વાહવાહી મેળવવામાં સાવધાની રાખવાનું ભૂલી ગયા હતા.

આ સમાચારને શેર કરો