Placeholder canvas

સૂરજદાદા આકરા પાણીએ: હજુ બે દિવસ આકરા તાપની આગાહી

ઉતર-પશ્ચિમનાં સુકા પવનો ફુંકાવા લાગતા ઠેર-ઠેર 42થી43 ડીગ્રી મહતમ તાપમાન નોંધાશે.

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ ભાગોમાં ગઈકાલે અંગ દઝાડતો તાપ અનુભવાયો હતો. જો કે હવે ઉતર-પશ્ચિમનાં સુકા પવનો ફુંકાવાનું શરૂ થતા હવામાન કચેરીએ ફરી આવતા બે દિવસ માટે એટલે કે આગામી તા.7 સુધી આકરી ગરમી પડશે તેવા નિર્દેશો આપ્યા છે.

હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ખાસ કરીને ઉતર ગુજરાતમાં હજુ બે દિવસ સૂર્ય દેવતા દઝાડશે. કારણ કે, હવે ઉતર-પશ્ચિમનાં સુકા પવનો ફુંકાવાનું શરૂ થયું છે. આથી હજુ આજે અને તા.7 સુધી ઠેર-ઠેર 42થી43 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાશે. દરમ્યાન ગઈકાલે પણ દરિયાકાંઠાનાં વિસ્તારોને બાદ કરતાં રાજયનાં 9 સ્થળોએ 40થી42 ડીગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાતા લોકો ભયંકર ગરમીમાં સેકાયા હતા.

રાજયમાં ગઈકાલે સૌથી હોટ સીટી ભુજ રહ્યું હતું. અહીં મહતમ તાપમાન 42.2 ડીગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 41.1 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 42, કેશોદમાં 40.3, અમદાવાદમાં 42.1, ડિસામાં 41.1, ગાંધીનગરમાં 41.7, વલ્લભવિદ્યાનગરમાં 40.2, વડોદરામાં 42 તથા કંડલા એરપોર્ટ ઉપર 41.8 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ગરમી અને તાપનો પ્રકોપ શમવાનું નામ ન લઈ રહયો હોય તેમ ત્રણ દિવસ બાદ 42.2 ડિગ્રી મહતમ તાપમાને ભુજ રાજયનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું. વહેલી સવારના આકાશમાં વાદળો છવાવવા સાથે વાતાવરણમાં થોડી શિતળતા પ્રસરેલી જોવા મળી હતી. જોકે દિવસ ચડતાંજ આભમાંથી અંગારા વરસવાનું શરૂ થતાં પ્રખર તાપમાં જનજીવન ફરી ભઠીમાં શેકાયું હતું.સોમવારની તુલનાએ જિલ્લા મથકે મહતમ પારો અડધો ડિગ્રી ઉંચકાયો હતો. રાજયમાં કચ્છના બે સહિત 10 શહેરોમાં પારો’ 40 ડિગ્રીને પાર થયો હતો.

હવામાન વિભાગે હજુ એક દિવસ માટે ગરમીના આકરા મોજાંની ચેતવણી જારી રાખી છે. ભુજમાં 42.2 ડિગ્રીએ અગનવર્ષાએ લોકોને આકુળ વ્યાકુળ કર્યા તો કંડલા પોર્ટ કેન્દ્રમાં 41.8 ડિગ્રી તાપમાને અંજાર-ગાંધીધામ સંકુલમાં પણ ચામડી દઝાડતા તાપની અનુભુતિ થઈ હતી. બપોરના સમયે ભારે ગરમીનાં કારણે લોકો પોતાના ઘરમાં જ સમય પસાર કરે છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો